અમદાવાદ સહિત ૯ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને ૧૦ ડિગ્રીથી નીચે જતાં શહેરીજનોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો : જોકે બે-ત્રણ દિવસમાં ઠંડીમાંથી રાહત મળવાની સંભાવના વ્યક્ત કરી હવામાન વિભાગે : કચ્છમાં આજે કોલ્ડવેવની આગાહી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સતત ત્રીજા દિવસે પણ ગુજરાતની સૌથી વધુ ઠંડી પડતાં નલિયા ઠૂંઠવાયું: અમદાવાદ સહિત ૯ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને ૧૦ ડિગ્રીથી નીચે જતાં શહેરીજનોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો : જોકે બે-ત્રણ દિવસમાં ઠંડીમાંથી રાહત મળવાની સંભાવના વ્યક્ત કરી હવામાન વિભાગે : કચ્છમાં આજે કોલ્ડવેવની આગાહી
અમદાવાદઃ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ગાત્રો થીજવી દેતી ઠંડીમાં ટાઢુંબોળ થઈ ગયું છે. એમાં પણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે પણ નલિયામાં સૌથી વધુ ઠંડી પડતાં અહીંના નાગરિકો ઠંડીમાં રીતસરના ઠૂઠવાઈ ગયા હતા. આટલું ઓછું હોય એમ આજે કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ભારે ઠંડીને કારણે ગુજરાતમાં સામાન્ય જનજીવનને અસર પહોંચી છે.
નલિયામાં સતત ત્રણ દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે એવી જ રીતે અમદાવાદસહિત ગુજરાતનાં અન્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીનો પારો ગગડતાં ઠંડીએ ગુજરાતમાં એનું વર્ચસ જમાવી દીધુ છે.
ADVERTISEMENT
ગઈ કાલે નલિયા ઉપરાંત અમદાવાદસહિત ૯ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને ૧૦ ડિગ્રીથી નીચે જતાં શહેરીજનોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. જોકે બે-ત્રણ દિવસમાં ઠંડીમાંથી રાહત મળવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગઈ કાલે નલિયામાં મિનિમમ ટેમ્પરેચર ૨.૪ ડિગ્રી નોંધાયું હતું એ ઉપરાંત ડીસામાં ૭.૮, પાટણમાં ૮.૧, જામનગરમાં ૮.૨, ભુજમાં ૮.૭, ગાંધીનગરમાં ૮.૮, દાહોદ અને પોરબંદરમાં ૯.૪, અમદાવાદમાં ૯.૭, જૂનાગઢમાં ૧૦.૩ અને કંડલામાં ૧૦.૯ ડિગ્રી મિનિમમ તાપમાન નોંધાયું હતું.