વડોદરા ગુરુકુળમાં હરિભક્તોની સભામાં સંબોધન કરતા દર્શનસ્વામીના વિડિયોથી વિવાદ : સનાતન ધર્મના સાધુ-સંતો વિશે બોલતાં ફેલાયો રોષ
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ : ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનદાદાના અપમાનનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં સ્વામીનારાયણ સંપ્રદાયના દર્શનસ્વામીનો એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં મહેરબાની કરીને સ્વામીનારાયણવાળાને છંછેડવાના ધંધા કરતા નહીં, એવું કહેતા જણાઈ આવતાં આ નિવેદનથી વિવાદ ઊભો થયો છે અને સનાતન ધર્મના સાધુ-સંતોમાં નારાજગી સાથે રોષ ફેલાયો છે.
વડોદરા ગુરુકુળમાં યોજાયેલી હરિભક્તોની સભાનો દર્શનસ્વામીનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ એવું બોલી રહેલા જણાઈ રહ્યા છે કે ‘ગગનમાં જેટલા શત્રુ હોય, તારા જેટલા શત્રુ કદાચ એક વાર બની જાય અને સમૂહ ભેગો થઈ જાય અને કદાચ સર્વાવતારી ભગવાન સ્વામીનારાયણ ભગવાનની સામે આવી જાય, મારો ઇસ્ટદેવ સર્વોપરી છે, છે, છે સાહેબ. દુનિયા જોઈને પોતાને ચલમ પીને સનાતની કહેતા હોય તો અમે તો છાતી કાઢીને તિલક, ચાંદલા ને ચોટલી રાખીએ છીએ તો તમારા કરતાં પહેલાં અમે સનાતની છીએ એટલે મહેરબાની કરીને સ્વામીનારાયણવાળાને છંછેડવાના ધંધા કરતા નહીં.’
ADVERTISEMENT
આ વિડિયો વાઇરલ થયા બાદ સનાતન ધર્મના સાધુ-સંતોમાં રોષ વ્યાપ્યો છે. વડોદરાના જ્યોતિર્નાથબાપુએ આ નિવેદનના મુદ્દે મીડિયાને કહ્યું હતું કે ‘આંગળી કરો છો તો ત્રણ આંગળી તમારા તરફ જાય છે. સમાજ આ સાંખી લેવા તૈયાર નથી. વૈમનશ્ય ન ફેલાય એ માટે તકેદારી રાખે. સનાતન ધર્મના અપમાનને ક્યારેય કોઈ શાંખી લેવા તૈયાર નથી.’
ઋષિ ભારતીબાપુએ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં મીડિયા સમક્ષ કહ્યું હતું કે ‘આખો ભરાયેલો પાણીનો ઘડો અવાજ ન કરે. અધૂરો ઘડો આવા વાણીવિલાસ બફાટ કરતા હોય છે. સનાતન ધર્મના સંતો પર આ પ્રહાર કરી રહ્યા છો. આ સ્ટેટમેન્ટને વખોડું છું.’