વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતા વર્ષે પ્રયાગરાજમાં યોજાનારા પૂર્ણ કુંભના મહાન વારસાથી વિદેશવાસીઓને અવગત કરાવવાનું કામ સંતો અને હરિભક્તોને સોંપ્યું : વડતાલ ધામની દ્વિશતાબ્દીની ઉજવણી નિમિત્તે સરકારે ૨૦૦ રૂપિયાનો ચાંદીનો સિક્કો અને ટપાલટિકિટ બહાર પાડ્યાં
વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા સંતોને અને હરિભક્તોને સંબોધન કરતા નરેન્દ્ર મોદી તથા ગઈ કાલે બહાર પાડવામાં આવેલો ૨૦૦ રૂપિયાનો ચાંદીનો સિક્કો
વડતાલ ધામની સ્થાપનાની દ્વિશતાબ્દી ઉજવણીમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થયા હતા પણ વર્ચ્યુઅલી. તેમણે વિડિયો-કૉન્ફરન્સિંગ મારફત આ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ‘હું માનું છું કે આપણા માટે આ અવસર ભારતીય સંસ્કૃતિના શાશ્વત પ્રવાહનો પુરાવો છે. આજે પણ આપણે ૨૦૦ વર્ષ પહેલાં ભગવાન શ્રી સ્વામીનારાયણ દ્વારા સ્થાપિત વડતાલ ધામની આધ્યાત્મિક ચેતનાને જીવંત રાખી છે. મને ખુશી છે કે ભારત સરકારે આ અવસર પર ૨૦૦ રૂપિયાનો ચાંદીનો સિક્કો અને ટપાલટિકિટ પણ બહાર પાડ્યાં છે. આ પ્રતિકો ભાવિ પેઢીના મનમાં આ મહાન પ્રસંગની યાદોને જીવંત રાખશે. આ પવિત્ર ઉત્સવમાં હાજર રહેવાની મારી બહુ જ ઇચ્છા હતી. મને તમારી વચ્ચે બેસીને ઘણી જૂની વાતો યાદ કરવી હતી, પરંતુ જવાબદારીઓ અને વ્યસ્ત શેડ્યુલને કારણે આ શક્ય બન્યું નહીં, પરંતુ મારા હૃદયથી હું તમારી વચ્ચે છું. અત્યારે મારું મન સંપૂર્ણપણે વડતાલ ધામમાં છે.’
સ્વામીનારાયણ પરિવાર વડા પ્રધાનના આહ્વાનને ધ્યાનમાં રાખીને ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં પણ જોડાયું છે અને તેમણે અત્યાર સુધીમાં એક લાખથી વધુ વૃક્ષ વાવ્યાં હોવાથી નરેન્દ્ર મોદીએ તેમનો આભાર માન્યો હતો.
ADVERTISEMENT
ત્યાર બાદ તેમણે ઉત્સવમાં હાજર સંતો અને હરિભક્તોને કહ્યું હતું કે ‘આ વખતે પૂર્ણ કુંભ પ્રયાગરાજમાં થઈ રહ્યો છે. પૂર્ણ કુંભ ૧૨ વર્ષ પછી આવે છે. આ આપણા ભારતનો મહાન વારસો છે. હવે દુનિયાએ પણ આ વિરાસતનો સ્વીકાર કર્યો છે. ૧૩ જાન્યુઆરીથી લગભગ ૪૫ દિવસ સુધી આ કુંભમેળામાં પચાસેક કરોડ લોકો આવશે. તમારું કામ આખી દુનિયામાં છે. વિશ્વના ઘણા દેશોમાં તમારાં મંદિરો છે. ત્યાંના લોકોને શિક્ષિત કરો અને જેઓ ભારતીય મૂળના નથી એવા વિદેશીઓને સમજાવો કે કુંભમેળો શું છે અને ખાતરી કરો કે વિદેશમાં રહેલી તમારી દરેક શાખા ઓછામાં ઓછા ૧૦૦ વિદેશીઓને પ્રયાગરાજમાં કુંભમેળાની મુલાકાત લેવા તૈયાર કરે. સમગ્ર વિશ્વમાં ચેતનાનો સેતુ રચવાનું આ કાર્ય હશે અને તમે એ સરળતાથી કરી શકશો એનો મને વિશ્વાસ છે.’