વડોદરાના અલકાપુરીમાં આવેલી સંપતરાવની ચાલીમાં રહેતા ૧૮ પરિવારો ભયભીત, અચાનક પથ્થરો પડતા હોવાથી બાળકો અને મોટેરાઓએ પણ ઘરમાં પુરાઈ રહેવું પડે છે
વડોદરાની સંપતરાવની ચાલીના રહીશો.
અમદાવાદ : મધ્ય ગુજરાતમાં વડોદરાના અલકાપુરીમાં આવેલી સંપતરાવની ચાલીમાં પાંચ દિવસથી ભેદી રીતે પથ્થરમારો થઈ રહ્યો છે, જેના કારણે ચાલીમાં રહેતા ૧૮ પરિવારો ભયભીત થઈ ગયા છે. રહસ્યમય રીતે થઈ રહેલા આ પથ્થરમારાની ઘટના બાબતે પોલીસે વૉચ રાખી, પણ હજી સુધી કોઈ પકડાયું નથી.
વડોદરાની સંપતરાવની ચાલીની આસપાસ બિલ્ડિંગો બની ગયાં છે. આ ચાલીમાં ૧૮ પરિવારો રહે છે. છેલ્લા પાંચ દિવસથી અચાનક સાંજે કે રાત્રે ચાલી પર પથ્થરો ફેંકાય છે. અચાનક થઈ રહેલા પથ્થરમારાને પહેલાં તો ચાલીના રહીશોએ ઇગ્નોર કર્યો હતો, પરંતુ હવે રોજેરોજ પથ્થરમારો થતાં અને ચાલીના બે જણ ઈજાગ્રસ્ત થતાં રહીશોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે પણ બંદોબસ્ત ગોઠવીને પથ્થરમારો કરનારને ઝડપી લેવા માટે વૉચ ગોઠવી છે, પણ પથ્થર ક્યાંથી આવે છે અને કોણ ફેંકી રહ્યું છે એ હજી સુધી પકડાયું નથી. પાંચ દિવસથી થઈ રહેલા પથ્થરમારાથી ચાલીના રહીશોને ઉજાગરા કરવા પડી રહ્યા છે. અચાનક પથ્થરો પડતા હોવાથી બાળકો અને મોટેરાઓએ પણ ઘરમાં પુરાઈ રહેવું પડે છે અને લોકો ઘરની બહાર નીકળતાં ડરી રહ્યા છે. આ ભેદી પથ્થરમારાની ચર્ચા વડોદરામાં ટૉક ઑફ ધ ટાઉન બની છે.