વડોદરા BJPના પ્રમુખ વિજય શાહના આવા બફાટથી સર્જાયો વિવાદ: ખુદ BJPના વિધાનસભ્ય યોગેશ પટેલે કહ્યું કે વિજય શાહે જે વાત કરી એમાં હું સહમત નથી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ૨૬માંથી ૨૫ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ને મતદારોએ જિતાડી છે ત્યારે સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં BJPના શહેર પ્રમુખ વિજય શાહે બફાટ કરતાં એવું સંબોધન કર્યું હતું કે એવા વિસ્તારમાં કામ કરીને આપણા બજેટના પૈસા ન વપરાય જે વિસ્તારમાંથી મત મળતા નથી. આ વિવાદિત નિવેદનના મુદ્દે વડોદરાના રહીશો અને વડોદરા કૉર્પોરેશનના વિરોધ પક્ષના નેતાએ જબ્બર વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, ખુદ BJPના વિધાનસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે વિજય શાહે જે વાત કરી એમાં હું સહમત નથી.
વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા BJPના સંસદસભ્ય હેમાંગ જોશીના સન્માનમાં રવિવારે સાંજે વડોદરામાં યોજાયેલા સન્માન સમારોહમાં બોલતાં વડોદરા BJPના પ્રમુખ વિજય શાહે વિવાદિત સંબોધન કરતાં કહ્યું હતું કે ‘અમુક પ્રકારના વૉર્ડમાંથી BJPને મત મળતા નથી અથવા તો ઓછા મળે છે. ૭૦૦ લોકોનું વોટિંગ હોય, ૮૦૦ લોકોનું કે હજાર લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે BJPને મત મળે છે ત્યારે વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા આપવી જોઈએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા બજેટના પૈસા ન વપરાય જે વિસ્તારમાંથી છેલ્લાં પાંચ, દસ કે પંદર વર્ષથી મત મળતા નથી અને જે લોકો ખોબલે-ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીને તે લોકોની સુવિધા માટે કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ વિચાર કરવાનો સમય આવી ગયો છે.’
ADVERTISEMENT
વડોદરા BJPના પ્રમુખના વિવાદિત નિવેદનથી હોબાળો મચી ગયો છે. BJPના વિધાનસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે ‘વિજય શાહે જે વાત કરી એમાં હું સહમત નથી. બધાની કામગીરી કરવી જોઈએ. જ્યારે વિધાનસભામાં શપથ લઈએ છીએ ત્યારે અમારે કોઈ જ્ઞાતિજાતિનો ભેદ ન હોય.’
વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં વિપક્ષી નેતા અમી રાવતે મીડિયા સમક્ષ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘વિજય શાહ બેફામ નિવેદન કરે છે. આવી ભાગલાવાદી વિચારધારા કેવી રીતે હોઈ શકે? આ ભારતના બંધારણની વિરુદ્ધ છે. આ BJPના પ્રમુખની માનસિકતા છતી કરે છે. વડોદરા શહેરના નાગરિકોએ વિચારવું જોઈએ કે જે લોકોને તમે ૨૫–૩૦ વર્ષથી શાસન આપો છો, જેમના પર વિશ્વાસ મૂકો છો તે લોકોની માનસિકતા તમારા લોકોના કામ પ્રત્યે શું છે એ આના પરથી ઉજાગર થાય છે.’