કરોડો રૂપિયા ખર્ચીને ગેરકાયદે અમેરિકા ગયેલા ગુજરાતના ૩૩ જણને અમેરિકાએ પરત મોકલ્યા છે: મોટા ભાગના ઉત્તર ગુજરાતના: અમદાવાદ, નડિયાદ, પાદરાના લુણા ગામના લોકો પણ છે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં યોજાયેલી ચૂંટણી સમયે કહેલું પાળી બતાવતાં અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે રહેતા વિદેશીઓને હાંકી કાઢવા માટે કવાયત શરૂ કરી છે એમાં ગુજરાતી સહિત ભારતીયોનો વારો આવ્યો છે અને ૧૦૪ ભારતીયોને ભારત મોકલી દેવાયા છે જેમાં ૩૩ ગુજરાતીઓને પણ અમેરિકાથી ડિપૉર્ટ કરી દેવામાં આવ્યા છે જેઓ ગઈ કાલે સ્વદેશ પરત ફર્યા હતા. ગેરકાયદે અમેરિકા ગયેલા ગુજરાતીઓને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવતાં તેમને અમેરિકા મોકલનારા કબૂતરબાજોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
કરોડો રૂપિયા ખર્ચીને અલગ-અલગ દેશોમાં થઈને અમેરિકામાં ઘૂસણખોરી કરનારા કે અન્ય કોઈ અનૈતિક જુગાડ કરીને અમેરિકામાં ઘૂસી ગયેલા ૩૩ ગુજરાતીઓ અમેરિકા સરકારની ઝપટે ચડી ગયા છે અને તેમને તગેડી મૂકવામાં આવ્યા છે. જે ૩૩ ગુજરાતીઓને પરત મોકલ્યા છે એમાં માણસા, પાટણ, મહેસાણા, ડીસા, કલોલ સહિત મોટા ભાગના ઉત્તર ગુજરાતના છે. આ ઉપરાંત અમદાવાદ, પેટલાદ, નડિયાદ, અંકલેશ્વર, પાદરાના લુણા સહિતના વિસ્તારોના પણ લોકો છે જેઓ ગેરકાયદે અમેરિકામાં રહેતા હતા. આ લોકોને ડિપૉર્ટ કરવામાં આવતાં ગુજરાતમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. જેમના પરિવારમાંથી કોઈ ને કોઈ ગેરકાયદે અમેરિકા ગયું છે એવા પરિવારોમાં એવો ભય છે કે હવે શું થશે? કરોડો રૂપિયા ખર્ચ્યા એ પાણીમાં ગયા અને ઉપરથી લટકતી તલવાર જેવો ઘાટ થયો છે.
ADVERTISEMENT
બીજી તરફ લોકોને ગેરકાયદે અમેરિકા મોકલનાર એજન્ટોમાં ફફડાટ ફેલાયો છે. અમેરિકાથી ડિપૉર્ટ થયેલા લોકોની પોલીસ પૂછપરછ કરી શકે છે અને કેવી રીતે અમેરિકા પહોંચ્યા, કયા એજન્ટ દ્વારા અમેરિકા ગયા, કયા રસ્તેથી અમેરિકા ગયા, સાચા-ખોટા ડોક્યુમેન્ટ કેવી રીતે તૈયાર કર્યા એ સહિતના પ્રશ્નોનો સામનો ડિપૉર્ટ થયેલા નાગરિકોને કરવો પડશે ત્યારે આ પૂછપરછમાં એજન્ટોનાં નામ પણ ખૂલે એવી શક્યતા હોવાથી ગેરકાયદે લોકોને અમેરિકા મોકલતા એજન્ટોમાં ભયનો માહોલ છવાયો છે.

