મૃત્યુ પામેલી વ્યક્તિઓના આત્માની શાંતિ માટે સ્મશાનઘાટે બીડી, સિગારેટ, ભાવતાં ભોજન કે દારૂ પણ ચડાવવાની પરંપરા
રામનાથ ઘેલા શિવ મંદિરમાં ભક્તોની લાઇન.
સામાન્ય રીતે આપણે શિવલિંગની પૂજામાં દૂધ અને પાણી ચડાવીએ છીએ, પરંતુ વિશ્વમાં સુરતનું એકમાત્ર રામનાથ ઘેલા મંદિર એવું છે જ્યાં પોષી અગિયારસે શિવલિંગ પર જીવતા કરચલા ચડાવવામાં આવે છે.
કાનના રોગથી પીડાતા લોકો રામનાથ ઘેલા શિવ મંદિરની બાધા રાખતા હોય છે. કાનના રોગની પીડામાંથી મુક્તિ મળતાં જ લોકો શિવલિંગ પર કરચલા ચડાવે છે. જોકે એ બાધા વર્ષમાં એક દિવસ પોષ મહિનાની અગિયારસે જ પૂરી કરવામાં આવતી હોય છે. વર્ષો જૂની આ પરંપરાનો ઇતિહાસ એવો છે કે અહીં ભગવાન રામ વનવાસ દરમ્યાન રોકાયા હતા. અહીં તેમણે પોતાના ધનુષ્યથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા–અર્ચના શરૂ કરી હતી. એ દરમ્યાન પિતાના અવસાનના સમાચાર મળતાં રામે અહીં જ પિતૃ-તર્પણવિધિ કરી હતી. તર્પણવિધિ દરમ્યાન બ્રાહ્મણ ન હોવાથી રામની વિનંતીથી સમુદ્રદેવ બ્રાહ્મણરૂપે પ્રગટ થયા અને ભગવાન રામે પૂજા કરી હતી. આ દરમ્યાન સમુદ્રનાં મોજાંમાં તણાઈ આવેલા કરચલાઓ શિવલિંગ પર ચડી ગયા હતા. એ જોઈને સમુદ્રદેવે ભગવાન રામને કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી હતી. ભગવાન આ જોઈ ઘેલા બન્યા. ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે એ ઉદ્દેશથી આ તપોવનભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચડાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે એવા આશીર્વાદ આપ્યા હતા, ત્યારથી આ મંદિરે લોકો દર વર્ષે પોષ મહિનાની એકાદશીએ પોતાની માનતા પૂરી થતાં દર્શનાર્થે આવે છે.
ADVERTISEMENT
શિવલિંગ પર જીવતા કરચલા ચડાવતા ભક્તો.
ભક્તો બાધા ઉતારવા માટે પોષ મહિનાની અગિયારસે સવારથી જ મંદિરમાં ઊમટી પડે છે અને જીવતા કરચલાને શિવલિંગ પર ચડાવે છે. આખો દિવસ શિવલિંગ પર કરચલા ફરતા જોવા મળે છે. જોકે ભગવાન શિવજીને જીવતા કરચલા ચડાવ્યા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા સલામત રીતે કરચલાને તાપી નદીમાં છોડી દેવામાં આવે છે.
એ ઉપરાંત મંદિર નજીક આવેલા રામઘેલા નામના સ્મશાનઘાટમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે તેમની અંતિમક્રિયા જ્યાં કરી હોય એ જગ્યાએ પૂજાપાઠ કરવામાં આવે છે અને મૃત્યુ પામેલી વ્યક્તિની પસંદ મુજબ બીડી, સિગારેટ, દારૂ કે કોઈ ભોજનની ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. લોકોમાં એવી માન્યતા છે કે પોષ મહિનાની અગિયારસે મૃત્યુ પામેલી વ્યક્તિની પસંદગીની વસ્તુ અર્પણ કરવાથી તેમના આત્માને શાંતિ મળતી હોય છે.