ડાકોર, અમદાવાદ સહિતનાં સ્થળોએ બૅન્ડવાજાં સાથે પ્રભુની નીકળેલી જાનમાં ભાવિકો થયા ભાવવિભોર ઃ ડાકોરમાં પ્રભુના વરઘોડા પર પુષ્પવર્ષા
યાત્રાધામ શામળાજીમાં ધામધૂમથી તુલસીવિવાહ યોજાયા હતા
ડાકોર, શામળાજી સહિત ગુજરાતનાં શ્રીકૃષ્ણ મંદિરોમાં ગઈ કાલે ધામધૂમથી તુલસીવિવાહનો પ્રસંગ સંપન્ન થયો હતો. ડાકોર, અમદાવાદ સહિતનાં સ્થળોએ બૅન્ડવાજાં સાથે પ્રભુની નીકળેલી જાનમાં ભાવિકો ભાવવિભોર થયા હતા અને હેતપૂર્વક પ્રભુનાં તુલસી માતા સાથે લગ્ન કરાવ્યાં હતાં.
યાત્રાધામ ડાકોરમાં ગઈ કાલે રણછોડરાયજીના મંદિરેથી વાજતે ગાજતે શાહી ઠાઠમાઠથી પ્રભુનો વરઘોડો નીકળ્યો હતો. પ્રભુનો વરઘોડો લક્ષ્મી મંદિર સુધી ગયો હતો અને ત્યાંથી મંદિર પરત ફર્યો હતો જ્યાં વિવાહ વિધિ સંપન્ન થઈ હતી. વરઘોડા પર ભક્તજનોએ પુષ્પવર્ષા કરીને પ્રભુને વધાવ્યા હતા. વરપક્ષનું કન્યા પક્ષ દ્વારા સામૈયું પણ કરાયું હતું. તુલસી માતા સાથે પ્રભુના વિવાહનાં દિવ્ય દર્શન કરવા માટે ભક્તજનો મોટી સંખ્યામાં ઊમટ્યા હતા.
ADVERTISEMENT
અમદાવાદમાં તુલસીવિવાહ પ્રસંગે પ્રભુનો ધામધૂમથી વરઘોડો નીકળ્યો હતો (તસવીર : જનક પટેલ)
બીજી તરફ યાત્રાધામ શામળાજીમાં પ્રભુના મંદિરે રંગેચંગે તુલસીવિવાહ યોજાયા હતા. બે દિવસ સુધી ચાલેલા પ્રભુનાં લગ્નમાં બુધવારે રાતે રાસગરબા પણ યોજાયા હતા. મામેરાની વિધિ પણ કરાઈ હતી. શામળાજી મંદિરના પરિસરમાં મંડપ બાંધ્યો હતો અને ગઈ કાલે તુલસીવિવાહ લગ્નવિધિ ભાવપૂર્વક સંપન્ન થઈ હતી. શામળાજી ઉપરાંત અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ ભક્તજનોએ ઉત્સાહપૂર્વક તુલસીવિવાહ યોજ્યા હતા. અમદાવાદમાં અનેક સ્થળોએ તુલસીવિવાહ પ્રસંગે પ્રભુની જાન નીકળી હતી અને જાનૈયાઓ મન મૂકીને વરઘોડામાં નૃત્ય કર્યું હતું.