ટમેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ગુજરાતના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલ આમ કહે છે
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદઃ ટમેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે અને એનાથી નાગરિકો પરેશાનીમાં મુકાઈ ગયા છે ત્યારે ગુજરાતના પ્રવક્તા તેમ જ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ કહે છે, ટમેટાં એકમાત્ર ખાવાની ચીજ નથી. ગુજરાતના પ્રધાનની આ પ્રકારની વાતથી ગુજરાતના નાગરિકોમાં અને ખાસ કરીને ગૃહિણીઓમાં અચરજ ફેલાયું છે.
ટમેટાંના વધેલા ભાવથી ગુજરાતનાં ઘર-ઘરમાં શાકભાજી સહિત અનાજ-કરિયાણાનું બજેટ ખોરવાયું છે અને ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે ત્યારે ટમેટાંના ઊંચા ભાવના મુદ્દે પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં ગુજરાતના પ્રધાન ઋષિકેશ પટેલે આશ્ચર્યજનક રીતે એવું કહ્યું હતું કે ‘ટમેટાં એકમાત્ર ખાવાની ચીજ નથી, આમ જોવા જઈએ તો. પરંતુ ટમેટાં, બટાકા, શાકભાજી આ તમામેતમામ વસ્તુ જે જીવનજરૂરિયાત અને સવારના કોઈ પણ ગૃહિણીને જરૂર પડે એવી તમામ બાબતો ડિમાન્ડ સપ્લાયના આધારે નક્કી થતી હોય છે, પરંતુ જેમ-જેમ સમય બદલાય અને તમે આગામી સમયમાં જોશો તો શાકભાજીના ભાવ હોય કે બીજા, એ સપ્લાય વધવાની સાથે કન્ટ્રોલમાં આવતા હોય છે.’

