પાલિતાણામાં થયેલી તોડફોડ સામે ભુજમાં રૅલી યોજાઈ
જૈનો ઉતર્યા રસ્તા પર
અમદાવાદમાં ગઈ કાલે સમેતશિખર બચાવવા માટે મૌન રૅલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજ જોડાયો હતો અને વિરોધ વ્યક્ત કર્યો હતો. ઝારખંડમાં આવેલા જૈન સમાજના પવિત્ર તીર્થ સમેતશિખરજીને સરકાર દ્વારા પર્યટનસ્થળ તરીકે જાહેર કરવાના નિર્ણયનો જૈન સમાજ દ્વારા દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને આંદોલન ચાલુ થયું છે, જેમાં અમદાવાદમાં ગઈ કાલે ઉસ્માનપુરાથી કલેક્ટર કચેરી સુધી જૈન સમાજની વિશાળ મૌન રૅલી યોજાઈ હતી અને કલેક્ટર કચેરીમાં અધિકારીને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
આ મૌન રૅલીમાં બૅનરો અને પોસ્ટરો સાથે બાળકો, મહિલાઓ અને પુરુષોએ મોટી સંખ્યામાં જોડાઈને નારાજગી વ્યક્ત કરી હતી અને રૅલીમાં સમેતશિખરને પર્યટનસ્થળ જાહેર નહીં કરવા માગણી થઈ હતી. અમદાવાદ ઉપરાંત લુણાવાડામાં પણ એક રૅલી યોજાઈ હતી, જેમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પાલિતાણામાં થયેલી તોડફોડ સામે ભુજમાં રૅલી યોજાઈ
પાલિતાણામાં આવેલા જૈન સમાજના આસ્થાના કેન્દ્રસમા શત્રુંજય ગિરિરાજની પવિત્રતા અને સુરક્ષાના મુદ્દે તેમ જ ત્યાં થયેલી તોડફોડ સામે વિરોધ વ્યક્ત કરવા માટે ગઈ કાલે કચ્છના ભુજ શહેરમાં ભુજ જૈન સાત સંઘ દ્વારા રૅલી યોજાઈ હતી અને પાલિતણાના મુદ્દે જૈન સમાજે વિરોધ વ્યક્ત કર્યો હતો. અસામાજિક તત્ત્વો સામે પગલાં ભરવા માગણી ઊઠી હતી. બીજી તરફ બોટાદમાં પણ જૈન સમાજ દ્વારા વિશાળ રૅલી યોજવામાં આવી હતી અને તોડફોડ કરનારાં અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા માગણી કરાઈ હતી. આ ઉપરાંત જામનગરમાં જૈન સમાજે વેપાર-ધંધા બંધ રાખીને બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો હતો.