ગામમાં કોઈને ત્યાં બાળકનો જન્મ થયા બાદ એ બાળકની પહેલી નવરાત્રિ આવે એટલે અંબે માતાજીના ચોકમાં ગરબા શરૂ થાય એ પહેલાં બાળકની તંદુરસ્તી માટે તેને ત્રાજવામાં મૂકીને ઘઉંથી તોળાય છે.
સદાતપુરા ગામે નવરાત્રિ દરમ્યાન બાળકને અનાજથી ત્રાજવે તોલવામાં આવી રહ્યું છે.
ગામમાં કોઈને ત્યાં બાળકનો જન્મ થયા બાદ એ બાળકની પહેલી નવરાત્રિ આવે એટલે અંબે માતાજીના ચોકમાં ગરબા શરૂ થાય એ પહેલાં બાળકની તંદુરસ્તી માટે તેને ત્રાજવામાં મૂકીને ઘઉંથી તોળાય છેઃ ઘણા લોકો અનાજની સાથે માતાજીની પ્રસાદી માટે ફ્રૂટ્સ, પેંડા અને સાકરથી પણ બાળકને તોલે છે
આદ્યશક્તિનાં નવલાં નોરતાં આ વર્ષે એના અંતિમ ચરણમાં પહોંચ્યાં છે ત્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સદાતપુરા ગામે આ નવરાત્રિના પર્વમાં કંઈકેટલાંય બાળકોને ત્રાજવે તોલવામાં આવ્યાં છે. નવરાત્રિમાં ગામના ચોકમાં માતાજીના ગરબા શરૂ થાય એ પહેલાં બાળકોની તંદુરસ્તીને લઈને બાળકોને અનાજથી તોલવાની અનોખી પ્રથા દાયકાઓથી અકબંધ રહેવા પામી છે.
ADVERTISEMENT
માત્ર નવરાત્રિના પર્વ દરમ્યાન જ ગામની આ પરંપરાને અનુસરતા ગામજનો વિશે વાત કરતાં ગામના રહીશ યોગેશ સથવારાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળકોને ઘઉંથી ત્રાજવે તોલવાની ગામની આ પરંપરા બાપદાદાના સમયથી ચાલી આવે છે. મોટા ભાગના લોકો આ પ્રથાને અનુસરે છે. ગામમાં રહેતા કોઈ પણ પરિવારમાં દીકરો કે દીકરીનો જન્મ થાય ત્યાર બાદ આ બાળકની પહેલી નવરાત્રિ આવે ત્યારે તેને ત્રાજવે તોલવાની પ્રથા ગામવાસીઓ આજે પણ નિભાવી રહ્યા છે. બાળકોની તંદુરસ્તી અને સુખાકારી માટે આ પ્રથાને અનુસરવામાં આવી રહી છે. ગામની દીકરીઓ પરણીને બીજા ગામ કે શહેરમાં ગઈ હોય એ દીકરીને ત્યાં પણ જો દીકરો કે દીકરી જન્મે તો એ દીકરી તેના બાળકને ગામમાં લાવીને ત્રાજવે તોલે છે. ગામમાં અંબે માતાજીના ચોકમાં આરતી અને ગરબા શરૂ થાય એ પહેલાં બાળકોને ઘઉંના ભારોભાર તોલવામાં આવે છે. ઘણા લોકો અનાજની સાથે માતાજીની પ્રસાદી માટે ફ્રૂટ્સ, પેંડા અને સાકરથી પણ બાળકને તોલે છે. લોકો તેમના બાળકના વજનથી સવાયું અનાજ તોલતા હોય છે અને માતાજી સમક્ષ તેમના બાળકની તંદુરસ્તી અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે.’
બાળકને ત્રાજવે તોલ્યા બાદ અનાજ પંખીઓને ચણ તરીકે નાખવામાં આવે છે અને ફ્રૂટ્સ તેમ જ પેંડા ગામજનોમાં પ્રસાદ તરીકે વહેંચાય છે. મેં પોતે મારી બેબીને અને મારા ભાઈએ પણ તેની બેબીને તેમની તંદુરસ્તી અને સુખાકારી માટે ત્રાજવે તોલી હતી. ગામમાં હાલમાં રોજનાં ચારપાંચ બાળકોને આ રીતે ત્રાજવે તોલવામાં આવે છે. વર્ષોથી આ પરંપરા નવરાત્રિ દરમ્યાન નિભાવવામાં આવી રહી છે. - યોગેશ સથવારા, ગ્રામજન