બિનઉપયોગી દવાઓ બની રહી છે ગરીબો માટેની જીવાદોરી: ગુજરાતની ડ્રગબેંકનાં સેવાકાર્ય માટે મદદનો હાથ લંબાવવામાં આપણે હવે મોડું ન કરવું જોઈએ
ગુજરાતની ડ્રગબેન્ક
જયારે લોકો જ કોઈ સખાવતી કામને હાથ ઉપર લઇ લે ત્યારે તે કેટલું શક્તિશાળી બની શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં ગુજરાતમાંથી સામે આવ્યું છે. લોકો પાસે પડી રહેલી બિનઉપયોગી દવાઓને એકત્ર કરીને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું મિશન છેલ્લાં ૧૭ વર્ષથી ભાવનગર શહેર ખાતે ચાલી રહ્યું છે. પોતાની પદ્ધત્તિસરની કામગીરીથી મેડિસીન હાઉસ - ડ્રગબેન્ક નામની આ સંસ્થાએ આજે હવે દેશવિદેશમાં પોતાની એક ખાસ ઓળખાણ પણ બનાવી લીધી છે.
ADVERTISEMENT
વર્તમાન સમયમાં આરોગ્યસંભાળ કેટલીબધી ખર્ચાળ બની ગઈ છે તે સૌ કોઈ જાણે છે. ડોક્ટર પાસે જવાથી શરુ કરીને મેડીકલ સ્ટોરની સફર સામાન્ય માણસનાં ખિસ્સા માટે જબરજસ્ત આર્થિક બોજો ઉભો કરી રહી છે. ગરીબીને કારણે દવાઓ નહી ખરીદી શકતાં લોકોનાં જીવ સુધ્ધા જઈ રહ્યા છે. આવા પ્રતિકુળ સંજોગોમાં ફસાયેલા હજ્જારો ગરીબ દર્દીઓ માટે ભાવનગર શહેરની આ ડ્રગબેન્ક આશાનું એક કિરણ બની ગઈ છે. માનવતાની આ સેવા ૨૦૦૫ની સાલથી ચૂપચાપ ચાલી રહી છે.
મહીને આશરે ત્રણ હજારથી વધુ પ્રિસ્ક્રીપ્શન મારફતે અંદાજે અઢાર લાખથી પણ વધુ રકમની દવાઓનું ડ્રગબેંક પોતાનાં કાઉન્ટર ઉપરથી વિતરણ કરી શકે તે માટે દવાઓ ક્યાંથી મેળવવી? આ માટે સેંકડો કાર્યકરો દ્વારા દવાઓ એકત્ર કરવાનું એક મહાઅભિયાન ચાલે છે. દવાઓ એકત્રિત કરવા માટે વિવિધ સ્થળોએ દવાની પેટીઓ મૂકવામાં આવી છે. ફાર્મા કંપનીઓ, મેડિકલ રિપ્રેઝન્ટેટીવ્સ તેમજ દવાની દુકાનોનો વધારાની દવાઓ દાન કરવા માટે સંપર્ક કરવામાં આવે છે. વંચિતોનાં જીવનમાં આશાનાં પ્રાણ પૂરવા માટે સ્વયંસેવકો નિસ્વાર્થભાવે આ બધી સેવાઓ આપી રહ્યા છે.
એકત્રિત થયેલી દવાઓ ડ્રગબેન્ક સુધી પહોંચી જાય પછી તેમાંથી એક્સપાયરી દવાઓનો નિકાલ કરવામાં આવે છે અને સારી દવાઓને અલગ તારવીને દવાઓને કન્ટેન્ટ મુજબનાં દવાનાં ડબ્બાઓમાં ગોઠવવામાં આવે છે. નિયમ મુજબનું પ્રિસ્ક્રિપ્શનો લઈ જતા દર્દીઓને આ દવાઓ સર્ટીફાઇડ ફાર્માસિસ્ટ દ્વારા સ્ટોકની ઉપલબ્ધી મુજબ વિતરણ કરવામાં આવે છે. ડ્રગબેંકનો સ્ટોર આ રીતે રવિવાર અને જાહેર રજાઓ સિવાયના તમામ દિવસોએ સાંજે 5:30 થી 8:30 સુધી ધમધમતો રહે છે.
ભાવનગર શહેરનાં એક જાણીતાં વકીલ હર્ષદભાઈ હરિભાઈ આચાર્યએ કેટલાંક માનવતાવાદી મિત્રોને એકત્ર કરીને આ નાવિન્યપૂર્ણ સેવાકાર્યનો વિચાર રજૂ કરેલો. ડ્રગબેંકના હાલનાં કો-ઓર્ડીનેટર અને ભાવનગરનાં પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અચ્યુતભાઈ મહેતાએ આ ઉમદા મિશનને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેઓ કહે છે કે "અમારો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ વ્યક્તિ આર્થિક સંકડામણને કારણે આવશ્યક દવાઓથી વંચિત ન રહે". ડ્રગબેંકના મેનેજિંગ ટ્રસ્ટી પુનિત આચાર્યએ આ ઉમદા કાર્યના મહત્વ વિશે વિગતવાર જણાવતા કહે છે કે “ડ્રગબેંક એક ચેરિટી કરતાં પણ વધુ છે. આ એક સામૂહિક ચળવળ છે. તમામ ગુજરાતીઓ આ સેવાકાર્યમાં પોતાની મદદ મોકલે તો તે માનવતાની એક વિશિષ્ઠ સેવા ગણાશે.”
ડ્રગબેન્ક સાથે જોડાયેલા સેવાભાવી સજ્જનોએ વેપારીઓ, કોર્પોરેટ્સ અને ડ્રગબેન્ક દેશવિદેશમાં સ્થાઈ થયેલાં ગુજરાતીઓનો સંપર્ક કરીને તેમનું યોગદાન મેળવવાના પ્રયત્નો ચાલુ કર્યા છે. નાતજાતનાં ભેદભાવ વગર માનવતાનાં આ સેવાયજ્ઞમાં દાતાઓ મદદ માટે આગળ આવશે તે નિશ્ચિત છે. ડ્રગબેન્કનું સંચાલન કરતી “શ્રી વિનાયક કેળવણી મંડળ” સંસ્થા એક રજીસ્ટર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ છે અને દવાઓ સાથે સંકાળાયેલા નિયમોનાં પાલન અને વિવિધ સરકારી લાયસન્સો મેળવીને સેવાની આ કામગીરી કરી રહી છે. સંસ્થાને 80G તેમજ CSR હેઠળ દાન મેળવવાની સરકારી મંજુરી આપવામાં આવેલ છે. રસ ધરાવતા સ્વયંસેવકો, સમર્થકો અને દાતાઓ ડ્રગબેન્કનો https://www.facebook.com/drugbankofgujarat અથવા WhatsApp નંબર: 9426463548 ઉપર સંપર્ક કરી શકે છે.