છેલ્લાં ચાર વર્ષથી તેઓ સાઇકલ યાત્રા કરીને વીરપુર આવે છે.
સુરતના ઉનથી સાઇકલયાત્રા કરીને વીરપુર આવેલા યુવાનો.
શ્રદ્ધા હોય તો પુરાવાની ક્યાં જરૂર છે એ વાત સુરત પાસે આવેલા ઉન ગામના યુવાનો માટે લાગુ પડી શકે છે. ઉનથી વીરપુર વચ્ચે અંદાજે ૫૫૦ કિલોમીટર અંતર છે. એમ છતાં પણ છેલ્લાં ચાર વર્ષથી ઉનના યુવાનો સાઇકલ યાત્રા કરીને જલારામજયંતીના અવસરે અચૂક વીરપુર આવીને જલારામબાપાનાં દર્શન કરે છે.
ઉનથી આવેલા આકાશ પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘જલારામબાપામાં અમને બધાને શ્રદ્ધા છે એટલે બાપાનું નામ લઈને ઉનથી સાઇકલ ચલાવતાં અમે વીરપુર પહોંચી જઈએ છીએ. આમ તો અમે કુલ ૪૫ લોકો આવ્યા છીએ જેમાંથી ૨૫ લોકો સાઇકલયાત્રા કરીને આવ્યા છીએ. બાકીના લોકો ચાર બાઇક, એક કાર અને એક ટેમ્પો લઈને આવે છે જેથી બધાની સગવડ સચવાય. અમે ૩ નવેમ્બરે ઉનથી સાઇકલયાત્રા શરૂ કરી હતી અને ૬ નવેમ્બરે, બુધવારે વીરપુર પહોંચી ગયા. ચાર દિવસમાં સાઇકલ ચલાવીને અમે અહીં પહોંચ્યા છીએ. જલારામબાપાની અમારા પર કૃપા છે.’
ઉનથી આવતા આ યુવાનો માટે એક અચરજભર્યો આનંદદાયક સંયોગ રચાયો કે દર વર્ષે દર્શન કરવા આવતા કોઈ ને કોઈ છોકરાનાં લગ્ન થઈ જાય છે અથવા તો લગ્ન નક્કી થાય છે એ વિશે વાત કરતાં આકાશ પટેલ કહે છે, ‘છેલ્લાં ચાર વર્ષથી અમે સાઇકલ યાત્રા કરીને વીરપુર આવીએ છીએ ત્યારે અમે માર્ક કર્યું છે કે દર વર્ષે અમારા ગ્રુપમાંથી બે છોકરાનાં લગ્ન થાય છે. મારાં પણ ફેબ્રુઆરીમાં લગ્ન થયાં છે. જોકે આ એક જોગાનુજોગ છે. અમે કોઈ બાધા નથી રાખતા, પણ જલારામબાપામાં શ્રદ્ધા છે. અમે તેમને માનીએ છીએ.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના સુરત, ચીખલી, વાપી, વલસાડ સહિતનાં નાનાંમોટાં શહેર અને ગામોમાંથી ઘણાબધા શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને કે પછી સંઘ લઈને વીરપુર દર્શન કરવા આવે છે.