શ્રીયંત્રના નિર્માણમાં કોઈ વિધ્ન ન આવે એ માટે દિપેશ પટેલ અને જય ભોલે ગ્રુપના સભ્યો કરશે પાંચ ધામ અને ચાર મઠની યાત્રા
અંબાજી મંદિર માટે બનાવવામાં આવી રહેલા સાડાચાર ફુટના શ્રીયંત્ર સાથે દિપેશ પટેલ.
અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે સોનું, ચાંદી, તાંબું, પિત્તળ અને લોખંડનું સાડાચાર ફુટ ઊંચું, પહોળું અને લાંબું શ્રીયંત્ર; શ્રીયંત્રના નિર્માણમાં કોઈ વિધ્ન ન આવે એ માટે દિપેશ પટેલ અને જય ભોલે ગ્રુપના સભ્યો કરશે પાંચ ધામ અને ચાર મઠની યાત્રા
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ૨૨૦૦ કિલોનું પંચધાતુનું વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર સ્થાપિત કરવાનું આયોજન હાથ ધરાયું છે. અંદાજિત એક કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા શ્રીયંત્ર બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે અને શ્રીયંત્રના નિર્માણમાં કોઈ વિધ્ન ન આવે એ માટે જયભોલે ગ્રુપના સભ્યો આજથી પાંચ ધામ અને ચાર મઠની યાત્રા કરીને દર્શન કરી આશીર્વાદ મેળવશે.
ADVERTISEMENT
જય ભોલે ગ્રુપના દિપેશ પટેલે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘તેલંગણમાં આવેલા જોગુલંબા શક્તિપીઠનાં દર્શન કરવા ગયો ત્યારે વિચાર આવ્યો હતો કે મોટું શ્રીયંત્ર બનાવું. એ પછી ઉત્તરાખંડમાં આવેલા ગોલાશ્રમમાં વિશ્વનું સૌથી મોટું સાડાત્રણ ફુટનું અને ૧૭૦૦ કિલોનું શ્રીયંત્ર છે. ત્યારે મને થયું કે ગુજરાતમાં અંબે માતાની શક્તિપીઠ છે તો જગદંબાના દરબાર માટે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર બનાવું અને માતાજીનાં ચરણે મૂકું. આ વિચાર સાથે શ્રીયંત્ર બનાવવાની શરૂઆત કરી છે.’
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં પૂર્ણા નદી પર ૧૧૦ કરોડના ખર્ચે ડૅમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
કઈ ધાતુમાંથી અને કેટલું મોટું શ્રીયંત્ર બનશે એની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે ‘સોનું, ચાંદી, તાંબું, પિત્તળ અને લોખંડની ધાતુમાંથી ૨૨૦૦ કિલોનું શ્રીયંત્ર બનાવીશું. આ શ્રીયંત્ર સાડાચાર ફુટ પહોળું, સાડાચાર ફુટ લાંબું અને સાડાચાર ફુટ ઊંચું હશે. આ શ્રીયંત્ર જૉઇન્ટ માર્યા વગર બનાવવામાં આવી રહ્યું છે. એ બનતાં બેથી ત્રણ મહિનાનો સમય લાગશે. માતાજીના શ્રીયંત્ર બનાવવાની કામગીરી હાથ ધરી છે ત્યારે એમાં કોઈ વિધ્ન ન આવે એ માટે હું તેમ જ અમારા જયભોલે ગ્રુપના ચિંતન પટેલ, મેહુલ પટેલ, શશાંક હરાણી, ચિરાગ કાલોલિયા અને જય પટેલ પાંચ ધામ; દ્વારકા, બદરીનાથ, જગન્નાથપુરી, રામેશ્વરમ અને તિરુપતિ બાલાજી તેમ જ દ્વારકામાં દ્વારકા-મઠ, બદરીનાથમાં જોશી-મઠ, જગન્નાથપુરીમાં પુરી-મઠ તેમ જ રામેશ્વરમમાં આવેલા શ્રીંગેરી-મઠમાં જઈને દર્શન કરીને આશીર્વાદ મેળવીશું. અમે જે શ્રીયંત્ર બનાવી રહ્યા છીએ એની ૩૨ કિલોની પ્રતિકૃતિ સાથે અમે દર્શન કરવા આજથી જઈ રહ્યા છીએ. એક મહિનો અમારી યાત્રાને થશે.’
આજે પાલનપુરમાં શ્રીયંત્રની પૂજા-અર્ચના કરીને બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણ બરનવાલા જયભોલે ગ્રુપને પ્રસ્થાન કરાવશે.