તાપી જિલ્લાના વ્યારામાં બાજરી, જુવાર, રાગી, નાગલી જેવાં જાડાં ધાન્યમાંથી મહિલાઓએ ગોળપાપડી, ખીચડો, થેપલાં, મૂઠિયાં, ઢોકળાં, પૂડલા સહિત અવનવી ડિશ બનાવી
વ્યારામાં યોજાયેલી જાડાં ધાન્યમાંથી વાનગીઓ બનાવવાની સ્પર્ધામાં અવનવી વાનગીઓ બહેનોએ બનાવી હતી.
અમદાવાદ : આ વર્ષ ઇન્ટરનૅશનલ મિલેટ વર્ષ તરીકે ઊજવાઈ રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા ખાતે મહિલાઓએ ગોળપાપડી, ખીચડો, થેપલાં, મૂઠિયાં, ઢોકળાં, પૂડલા સહિત જાડાં ધાન્યની વાનગીઓનો રસથાળ સાથે બાજરી, જુવાર, રાગી, નાગલી જેવાં જાડાં ધાન્યમાંથી અવનવી ડિશ બનાવી હતી.
દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લા તંત્ર દ્વારા વ્યારામાં બાજરી, જુવાર, નાગલી જેવાં સ્થાનિક જાડાં ધાન્યની વાનગીઓને પ્રાધાન્ય આપતી જિલ્લા કક્ષાની કુકિંગ કૉમ્પિટિશનનું નાયબ કલેક્ટર તૃપ્તિ પટેલના માર્ગદર્શનમાં યોજાવામાં આવી હતી, જેમાં વાલોડ, વ્યારા, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાંથી બહેનોએ ભાગ લીધો હતો. આ બહેનોએ રાગીના લોટની ગોળપાપડી, ઘઉંના લોટની સુખડી, બાજરીનો ખીચડો, બાજરી અને જુવાર તેમ જ નાગલીના ચમચમ, વેજિટેબલ જુવારની ખીચડી, નાગલીનાં થેપલાં, દાળ, મિક્સ લોટનાં મૂઠિયાં અને ઢોકળાં, ચણા, ગાજર, વટાણા અને પાલક, ચોખાનાં ઢોકળાં સહિતની ટેસ્ટી વાનગીઓ બનાવી હતી.