ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના મંદિરના પુનર્નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કર્યું
ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના મંદિરના પુનર્નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કર્યું હતું.
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાજીના મંદિરના શિખરની ઊંચાઈ ૮૬ ફુટ ૧ ઇંચ કરવામાં આવશે. અત્યારે શિખરની ઊંચાઈ ૫૯ ફુટ છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે બહુચરાજી માતાના મંદિરે દર્શન કરીને માતાજીની પૂજા-અર્ચના કરી હતી અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેમણે બહુચરાજી માતાના મંદિરના પુનર્નિર્માણના પ્રથમ તબક્કાની કામગીરીનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રવાસન વિભાગ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે બહુચરાજી માતાના મંદિરના પુનર્નિર્માણનો નકશો ભૂપેન્દ્ર પટેલને બતાવ્યો હતો. તેમણે મંદિર પરિસર સહિત ત્રણેય ફેઝની સમગ્ર પુનર્નિર્માણ કામગીરીની બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્ય પ્રધાન સાથે ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત તેમ જ અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા. મુખ્ય પ્રધાન બહુચરાજી આવતાં સ્થાનિક લોકોએ તેમને ઉમળકાભેર આવકાર્યા હતા અને ભૂપેન્દ્ર પટેલે પણ સૌનું અભિવાદન ઝીલીને વાતચીત કરી હતી.