અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લાઇટ ઍન્ડ સાઉન્ડ શો બન્યો આકર્ષણનું કેન્દ્ર, ત્રણ-ચાર માળ ઊંચા સ્ટેજ પર ૩૦૦થી વધુ બાળકો અને યુવાનોનો બેનમૂન પર્ફોર્મન્સ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ગઈ કાલે આયોજિત લાઇટ ઍન્ડ સાઉન્ડ શો
અમદાવાદઃ ભક્તિમાર્ગમાં આધ્યાત્મિકતા અને સામાજિક સમરસતાની અલખ જગાવનારા વૈશ્વિક સંત પ્રમુખસ્વામી મહારાજના અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ‘મહોત્સવ પૂર્ણ પુરુષ કા’ લાઇટ ઍન્ડ સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને લાખો ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા છે. બીજી તરફ બાળનગરીમાં સી ઑફ સુવર્ણા, જંગલ ઑફ શેરુ અને વિલેજ ઑફ બુઝોના શો બાળકો માટે જીવનઘડતરનું માધ્યમ બન્યા છે.
પ્રમુખસ્વામીનગરમાં મલ્ટિ ડાઇમેન્શન પ્રેઝન્ટેશન ઑફ મલ્ટિ પ્રપોશનલ સિસ્ટમ સાથે ૨૦ મિનિટનો ‘મહોત્સવ પૂર્ણ પુરુષ કા’ નામે લાઇટ ઍન્ડ સાઉન્ડ શો બેનમૂન બની રહ્યો છે. ત્રણ-ચાર માળ જેટલા ઊંચા સ્ટેજ પર ૩૦૦થી વધુ બાળકો અને યુવાનોના પર્ફોર્મન્સ ભાવિકોની દાદ મેળવી રહ્યા છે. જાણે ભૂકંપ તમારી નજરો સમક્ષ આવ્યો હોય એ રીતની કોરિયોગ્રાફી સાથે પ્રમુખસ્વામી મહારાજે કચ્છના ભૂકંપમાં કરેલી સેવા ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજે સામાજિક, કૌટુંબિક તેમ જ વ્યક્તિગત રીતે લોકોને કરેલી મદદ સહિતના વિષયોને આવરી લઈને ૨૦ મિનિટનો અદ્ભુત શો લાઇવ પર્ફોર્મન્સ સાથે થઈ રહ્યો છે.