Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આવતી કાલે ભુજથી અમદાવાદ આવશે દેશની સૌપ્રથમ વંદે મેટ્રો

આવતી કાલે ભુજથી અમદાવાદ આવશે દેશની સૌપ્રથમ વંદે મેટ્રો

Published : 15 September, 2024 05:44 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નરેન્દ્ર મોદી આ ફુલ્લી અન-રિઝર્વ્ડ AC ટ્રેનને પ્રસ્થાન કરાવશેઃ ૧૧૫૦ પ્રવાસીઓ બેસીને અને ૨૦૫૮ પ્રવાસીઓ ઊભા-ઊભા પ્રવાસ કરી શકશે: ૩૬૦ કિલોમીટરનું અંતર કાપતાં લાગશે પાંચ કલાક ૪૫ મિનિટ

આ ટ્રેનનું મિનિમમ ભાડું ૩૦ રૂપિયા હશે, જ્યારે એના કિલોમીટર મુજબ અન્ય સ્ટૉપેજના ભાડાની ગણતરી થશે. આ ટ્રેનનું મૅ​ક્સિમમ ભાડું ૪૩૦થી ૪૬૦ રૂપિયા જેટલું હોઈ શકે છે

આ ટ્રેનનું મિનિમમ ભાડું ૩૦ રૂપિયા હશે, જ્યારે એના કિલોમીટર મુજબ અન્ય સ્ટૉપેજના ભાડાની ગણતરી થશે. આ ટ્રેનનું મૅ​ક્સિમમ ભાડું ૪૩૦થી ૪૬૦ રૂપિયા જેટલું હોઈ શકે છે


બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે દેશની સૌથી પહેલી વંદે મેટ્રો સર્વિસને ફ્લૅગ-ઑફ કરશે. આ ફુલ્લી અન-રિઝર્વ્ડ ઍર-કન્ડિશન્ડ (AC) ટ્રેન અમદાવાદ અને ભુજ વચ્ચે દોડશે જેમાં પ્રવાસીઓ ટ્રેન ઊપડતાં પહેલાં કાઉન્ટર પરથી ટિકિટ ખરીદીને પ્રવાસ કરી શકશે. ગુજરાતમાં વડા પ્રધાન બીજા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે અને અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સર્વિસના બીજા તબક્કાનું લોકાર્પણ કરશે.

 


વંદે મેટ્રો ટ્રેન વિશે વધુ જાણકારી આપતાં વેસ્ટર્ન રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસર પ્રદીપ શર્માએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘૧૨ કોચની આ ટ્રેનમાં ૧૧૫૦ પ્રવાસીઓ માટે બેસવાની વ્યવસ્થા છે અને આશરે ૨૦૫૮ પ્રવાસીઓ ઊભા રહીને પ્રવાસ કરી શકશે. ગયા અઠવાડિયાની શરૂઆતમાં આ ટ્રેનની ટ્રાયલ સર્વિસ દોડાવવામાં આવી હતી.’

 
ટ્રેનનું ટાઇમટેબલ

દેશની પહેલી વંદે મેટ્રો સર્વિસ અમદાવાદ અને ભુજ વચ્ચે અઠવાડિયામાં ૬ દિવસ દોડશે. દર શનિવારે અમદાવાદથી અને દર રવિવારે ભુજથી આ ટ્રેનની સેવા ઉપલબ્ધ નહીં હોય. ભુજથી સવારે ૫.૦૫ વાગ્યે રવાના થઈને એ સવારે ૧૦.૫૦ વાગ્યે અમદાવાદ જંક્શન પહોંચશે. અમદાવાદથી આ ટ્રેન સાંજે ૫.૩૦ વાગ્યે રવાના થઈને રાતે ૧૧.૧૦ વાગ્યે ભુજ પહોંચશે. અમદાવાદ-ભુજ વચ્ચે વંદે મેટ્રો સર્વિસમાં ૯ સ્ટેશન છે અને ૩૬૦ કિલોમીટરનું અંતર આ ટ્રેન પાંચ કલાક ૪૫ મિનિટમાં કાપશે. આ ટ્રેન બેઉ દિશાના પ્રવાસમાં સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર અને ભુજ સ્ટેશનોએ ઊભી રહેશે. દરેક સ્ટેશન પર એ ટ્રેન બે મિનિટ થોભશે. માત્ર ગાંધીધામ સ્ટેશન પર એનો હૉલ્ટ ૧૦ મિનિટનો હશે. આ ટ્રેનની ટૉપ સ્પીડ પ્રતિ કલાક ૧૧૦ કિલોમીટરની હશે.
 
વંદે મેટ્રો ટ્રેનની વિશેષતા
આ ટ્રેન ઇન્ટરસિટી ટ્રાવેલ માટે તૈયાર કરવામાં આવી છે જેમાં લાંબું અંતર ઓછા સમયમાં કાપી શકાશે. એ વંદે ભારત ટ્રેનની જેમ સૌથી વધારે ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. આથી બે શહેરો વચ્ચે ઝડપી પ્રવાસ શક્ય બનશે. વંદે મેટ્રોના દરવાજા ઑટોમૅટિક હશે અને દરેક કોચમાં આવા ચાર દરવાજા છે. પ્રવાસીઓ તેમનો સામાન રાખી શકે એ માટે એમાં લાઇટ ઍલ્યુમિનિયમ રૅક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રવાસીઓની સુવિધા માટે એમાં મોબાઇલ ફોન ચાર્જિંગ સૉકેટ આપવામાં આવ્યાં છે.
 
સામાન્ય પ્રવાસીઓ માટે આ ટ્રેન ફુલ્લી AC હોવા ઉપરાંત એમાં ડ્રાઇવરની કૅબિન પણ AC હશે. ટ્રેનમાં સળંગ LED (લાઇટ-એમિટિંગ ડાયોડ) લાઇટિંગ અને પહોળી પૅનોરૅમિક વિન્ડો આપવામાં આવી છે.પ્રવાસીઓની સલામતી અને સુવિધા માટે નવી વંદે મેટ્રો ટ્રેનમાં ક્લોઝ્‍ડ સર્વિસ ટેલિવિઝન (CCTV) કૅમેરા, વિવિધ જાણકારી આપવા માટે LCD ડિસ્પ્લે અને રૂટ ઇન્ડિકેટર ડિસ્પ્લે આપવામાં આવ્યાં છે.
 
આ ટ્રેનોમાં વંદે ભારત ટ્રેનો જેવાં બાયો-વૅક્યુમ ટૉઇલેટ્સ છે. મૉડ્યુલર ટૉઇલેટ્સમાં ઑટોમૅટિક હૅન્ડ ડ્રાયર્સની સુવિધા હશે. દિવ્યાંગજનો માટે પણ તેમને અનુરૂપ ટૉઇલેટની સુવિધા છે.
પ્રવાસીઓની સુરક્ષા માટે એમાં ટ્રેનો એકબીજા સાથે અથડાય નહીં એવી કવચ સુવિધા સજ્જ છે. આ ટ્રેનના કોચ ચેન્નઈની ઇન્ટિગ્રેટેડ કોચ ફૅક્ટરીમાં તૈયાર કરવામાં આવ્યા છે.
Whatsapp-channel Whatsapp-channel

15 September, 2024 05:44 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK