ગુજરાતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનાં ૧૫૫ નવાં કેન્દ્રોનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો ભૂપેન્દ્ર પટેલે : માત્ર પાંચ રૂપિયામાં મળશે શ્રમિકોને ભોજન
અમદાવાદમાં ગઈ કાલે ભૂપેન્દ્ર પટેલે શ્રમિકોને ભોજન પીરસ્યું હતું.
અમદાવાદ : ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે કોઈ છોછ રાખ્યા વગર અમદાવાદમાં શ્રમિકો સાથે બેસીને ભોજન કર્યું હતું અને ગુજરાતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનાં ૧૫૫ નવાં કેન્દ્રોનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ધનતેરસના દિવસે આ કામગીરી થતાં જાણે કે માતા લક્ષ્મીજીનો સ્પેશ્યલ દિવસ ગુજરાતમાં અન્નપૂર્ણા મહોત્સવ બની રહ્યો હતો.
અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલમાં કડિયાનાકા પર નવા શ્રમિક ભોજન કેન્દ્રનો ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે ઉદ્યોગ તથા શ્રમ અને રોજગારપ્રધાન બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત હતા. ભૂપેન્દ્ર પટેલ અને બલવંતસિંહ રાજપૂતે શ્રમિકોને ભોજન પીરસ્યું હતું અને તેમની સાથે બેસીને ભોજન પણ કર્યું હતું. તેમણે તેમની સાથે વાતચીત પણ કરી હતી.
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વડોદરા અને વલસાડ જિલ્લામાં ૧૫૫ કડિયાનાકા પર ભોજન કેન્દ્રો શરૂ કરાવ્યાં હતાં. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઇટ પર ૫૦થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને ડોર-સ્ટેપ ડિલિવરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયામાં ભોજન પૂરું પાડવામાં આવશે.