ગુજરાતના રાજકોટ શહેરની બહાર બાંધવામાં આવેલા ચેકડૅમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં સ્વર્ગવાસી માતા હીરાબાનું નામ આપવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું.
હિરાબા
રાજકોટ (પી.ટી.આઇ.) : ગુજરાતના રાજકોટ શહેરની બહાર બાંધવામાં આવેલા ચેકડૅમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં સ્વર્ગવાસી માતા હીરાબાનું નામ આપવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખિયાએ જણાવ્યું હતું કે રાજકોટ-કાલાવડ રોડ પર આવેલી ન્યારી નદીના પ્રવાહ પર ૧૫ લાખ રૂપિયાના ખર્ચે આ ચેકડૅમ બાંધવામાં આવશે. આ ચેકડૅમનું ભૂમિપૂજન બુધવારે રાજકોટના મેયર પ્રદીપ દવ અને સ્થાનિક વિધાનસભ્ય દર્શિતા શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હોવાનું જણાવતાં દિલીપ સખિયાએ ઉમેર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતાને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી અમે ચેકડૅમને ‘હીરાબા સ્મૃતિ સરોવર’ નામ આપવાનો નિર્ણય લીધો છે.
શીત લહરના પગલે ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત્
અમદાવાદ ઃ ગુજરાતમાં શીત લહરના પગલે ગઈ કાલે પણ કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. જોકે ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. આગામી બે દિવસ દરમ્યાન ગુજરાતમાં ઠંડીના ચમકારામાં ઘટાડો નોંધાય એવી આગાહી હવામાન ખાતાએ કરી છે.
ગઈ કાલે ગુજરાતમાં સૌથી વધુ ઠંડુંગાર નલિયા રહ્યું હતું, જ્યાં મિનિમમ ટેમ્પરેચર ૬.૧ ડિગ્રી નોંધાયુ હતું. આ ઉપરાંત ડીસામાં ૧૦, ભુજમાં ૧૦.૨, કંડલામાં ૧૧.૨, સુરેન્દ્રનગરમાં ૧૧.૮, રાજકોટમાં ૧૧.૯, વલ્લભ વિદ્યાનગરમાં ૧૨.૫, અમરેલીમાં ૧૩.૮, અમદાવાદમાં ૧૪.૧ મિનિમમ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ADVERTISEMENT
અમદાવાદ ઉપરાંત કચ્છ, સ્ટૅચ્યુ ઑફ યુનિટી સહિતનાં સ્થળોએ યોજાશે પતંગોત્સવ ઃ ૫૩ દેશોના ૧૨૬ પતંગબાજો આવશે ગુજરાત
અમદાવાદ ઃ કોરોનાનાં બે વર્ષ બાદ અમદાવાદ, કચ્છ, સ્ટૅચ્યુ ઑફ યુનિટી સહિતનાં સ્થળોએ ગુજરાતમાં ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાશે, જેનો પ્રારંભ ૮ જાન્યુઆરીએ અમદાવાદથી થશે. ગુજરાતમાં ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ૮થી ૧૪ જાન્યુઆરી દરમ્યાન G20 થીમ સાથે આ ફેસ્ટિવલ યોજાશે. દેશ-વિદેશના અનેક પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લેવા આવશે. અમદાવાદમાં સાબરમતી રિવરફન્ટ ખાતે ૮ જાન્યુઆરીથી શરૂ થનારા કાઇટ ફેસ્ટિવલમાં પતંગબાજો G20નો લોગો સાથેનું ટીશર્ટ અને ટોપી પહેરીને પરેડ કરશે. કચ્છમાં ધોરડો ખાતે સફેદ રણમાં ૧૩ જાન્યુઆરીએ પતંગ મહોત્સવનું આયોજન કરાશે. કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા ૫૩ દેશોના ૧૨૬ વિદેશી પતંગબાજો ગુજરાત આવશે. ૧૦ જાન્યુઆરીએ સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.