કાઠી દરબારની પરંપરાને જાળવી રાખવા ચોટીલા પાસે આવેલા ખેરડી ગામના મહાવીર ખાચરની જાન ઘોડે ચડીને આઠ કિલોમીટર દૂર લગ્નસ્થળે ગઈ : હાઇવે પર ઘોડાઓની ધડબડાટી સાથે જાન નીકળતાં લોકો આશ્ચર્યચકિત થયા : વેવાઈએ ઘોડા-ઘોડીઓને શુકન કરાવીને રજકો અને બાજરો પીરસ્યા
ઘોડી પર બેસીને લગ્ન કરવા નીકળેલા વરરાજા મહાવીર ખાચર.
અગાઉના જમાનામાં અને ફિલ્મોમાં ઘોડા પર જાન જતી જોવા મળતી એ દૃશ્ય આપણા માનસપટ પર અંકિત થયું હશે, પરંતુ ઉત્તરાયણ બાદ લગ્નની સીઝન શરૂ થઈ છે ત્યારે ઘોડા પર જતી જાનનું દૃશ્ય રીક્રીએટ થયું હોય એવું રવિવારે ગુજરાતના ચોટીલામાં જોવા મળ્યું હતું જેમાં વરરાજા ઘોડીએ ચડીને ૧૦૦ ઘોડા-ઘોડીઓ સાથે જાન લઈને ઠાઠમાઠથી પરણવા નીકળ્યા હતા અને લગ્નમંડપે પહોંચ્યા હતા.
કાઠી દરબારની પરંપરાને જાળવી રાખવા ચોટીલા પાસે આવેલા ખેરડી ગામના મહાવીર ખાચરની જાન ઘોડે ચડીને આઠ કિલોમીટર દૂર લગ્નસ્થળે ચોટીલા ગઈ હતી. એ ૮ કિલોમીટર સુધી હાઇવે પર ઘોડાઓની ધડબડાટી સાથે જાન નીકળતાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. માંડવે જાન પહોંચી ત્યારે વેવાઈએ ઘોડા-ઘોડીઓને શુકન કરાવીને રજકો અને બાજરો પીરસ્યા હતા. ઘોડા-ઘોડીઓ સાથે જાન આવતાં લોકો રાજીના રેડ થઈ ગયા હતા અને કહેવા લાગ્યા કે આવી જૂની પરંપરા વર્ષો બાદ જોવા મળી.
ADVERTISEMENT
આજના મૉડર્ન યુગમાં જ્યારે જાનના કાફલામાં એક-એકથી ચડિયાતી કારના કાફલા હોય છે એવા સમયે ઘોડા-ઘોડીઓ સાથે જાન કાઢવા પાછળનો હેતુ સ્પષ્ટ કરતાં વરરાજા મહાવીર ખાચરના મોટા બાપા ભરત ખાચરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કાઠી દરબાર છીએ અને ઘોડી માથે જાન જાય એવું અગાઉથી ચાલી આવ્યું છે. અમારે જૂની પરંપરા જાળવી રાખવી હતી. જે કુળમાં જન્મ લીધો છે એની પરંપરા જળવાવી જોઈએ. અમારા દીકરા મહાવીરે પણ પરંપરાને નિભાવવી હતી અને તેણે કહ્યું હતું કે મારે ઘોડીએ ચડીને પરણવા જવાનું છે એટલે અમે ઘોડા-ઘોડીઓ સાથે જાન કાઢી હતી. અમારા ઘરે ૧ ઘોડો અને ૩ ઘોડી છે એટલે ઘોડાઓ ભાડે લવાયા નહોતા. બીજું એ કે જાનમાં ઓછામાં ઓછા ૧૦૦ ઘોડા-ઘોડી હતાં એ તો ગામના લોકો પોતપોતાના ઘરેથી લઈ આવ્યા હતા. એટલે જાનમાં જોડાયેલા તમામ વરઘડિયાઓ તેમના પોતાના ઘોડા કે ઘોડી લઈને જાનમાં આવ્યા હતા.’
રવિવારે જાન ખેરડી ગામથી નીકળી હતી અને ૮ કિલોમીટર દૂર આવેલા ચોટીલા ગઈ હતી. જાન માંડવે પહોંચી ત્યારે વેવાઈએ ઘોડીઓને શુકન કરાવ્યાં હતાં અને તેમને ખાવા ત્રણ કિલો બાજરો અને લીલો રજકો આપ્યા હતા. ઘોડા પર આવેલી જાન જોઈને ચોટીલામાં લોકો અચરજ પામી ગયા હતા અને લોકોએ જૂની પરંપરાની સરાહના કરી હતી.
ઘોડા-ઘોડીઓ પર જાન નીકળી ત્યારે હાઇવે પર વરરાજાના કેટલાક મિત્રો બાઇક પર હતા અને તેઓ હાકોટા-પડકારા પાડતા હતા અને વરરાજા જાતે જ ધડબડ-ધડબડ કરતા ઘોડી ચલાવીને માંડવે પહોંચ્યા હતા.