વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ભૂખી નદીનાં પાણી માત્રોજ ગામમાં ઘૂસી જતાં પોલીસ અને આપદા મિત્રોની ટીમે ૨૩૦ લોકોને રેસ્ક્યુ કર્યા, ઈજાગ્રસ્તોને ખાટલાની પાલખી બનાવી એમાં બેસાડીને બહાર કાઢીને બચાવ્યા
માત્રોજ ગામમાં ભરાયેલાં નદીનાં પાણીમાંથી ઈજાગ્રસ્તને ખાટલામાં સુવડાવીને તેમ જ ખભે બેસાડીને સલામત રીતે બહાર કાઢી રહેલા પોલીસ અને આપદાની ટીમના સભ્યો.
ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં આવેલાં પૂરના પગલે ઠેર-ઠેર તારાજી સર્જાઈ છે ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ભૂખી નદીનાં પાણી માત્રોજ ગામમાં ઘૂસી જતાં ગામવાસીઓ વિકટ સ્થિતિમાં મુકાઈ ગયા હતા ત્યારે પોલીસ અને આપદા મિત્રોની ટીમે પાણીમાં ફસાયેલા ૨૩૦ લોકોને રેસ્ક્યુ કર્યા હતા અને એમાં પણ ઇજાગ્રસ્તોને ખાટલાની પાલખી બનાવી એમાં બેસાડી બહાર કાઢીને બચાવ્યા હતા.
ભારે વરસાદના કારણે માત્રોજ ગામેથી પસાર થતી ભૂખી નદીમાં મંગળવારે પૂર આવ્યું હતું. આ પૂરનાં ધસમસતાં પાણી માત્રોજ ગામમાં ફરી વળ્યાં હતાં. ગામમાં નીચાણવાળા વિસ્તારોની કફોડી હાલત થઈ હતી ત્યારે ફસાયેલા લોકોને બચાવવા માટે સંકલિત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કરજણના પોલીસ અધિકારી એમ.એ. પટેલના સુકાન હેઠળ ૧૨ પોલીસ જવાનો, ૧૪ ગ્રામરક્ષક દળના જવાનો સાથે જી.એસ.ડી.એમ.એ. દ્વારા બચાવની તાલીમ પામેલા આપદા મિત્રોની ટીમના સભ્યો કુણાલ પાટણવાડિયા, આદિલ પટેલ, આસિફ પટેલ સહિતના સભ્યો બચાવ કામગીરીમાં જોડાયા હતા. બચાવ ટીમે ખાટલાની પાલખી બનાવીને એમાં ઇજાગ્રસ્તોને બેસાડીને તેમ જ કેટલાક ઇજાગ્રસ્તોના પાટા પર કોથળી બાંધીને તેમને ખભે ઊંચકીને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.