તેલંગણ અને કેરલાની પોલીસે સુરતની ૨૭ ડાયમન્ડ કંપનીઓના વેપારીઓનાં બૅન્ક-અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધાં છે : એના કારણની કોઈ સ્પષ્ટતા નથી
પ્રતીકાત્મક તસવીર
તેલંગણ અને કેરલાની પોલીસે સુરતની ૨૭ ડાયમન્ડ કંપનીઓના વેપારીઓનાં બૅન્ક-અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધાં છે : એના કારણની કોઈ સ્પષ્ટતા નથી : એ બંને રાજ્યોમાં થયેલા સાઇબર ક્રાઇમની ફરિયાદને કારણે આ ઍક્શન લેવાતાં આશરે ૨૫૦ કરોડ રૂપિયાના વ્યવહારો ખોરવાયા: અમિત શાહને ઈ-મેઇલ કરીને રજૂઆત કરાઈ
તેલંગણ અને કેરલામાં થયેલી સાઇબર ક્રાઇમની ફરિયાદને આધાર બનાવીને કોઈ પણ જાતનું કારણ આપ્યા વગર સુરતની એક પછી એક ૨૭ ડાયમન્ડ કંપનીઓનાં બૅન્ક-અકાઉન્ટ્સ ફ્રીઝ કરવાની આ બે રાજ્યની પોલીસની સૂચનાથી સુરતની જે-તે બૅન્ક દ્વારા હીરાની પેઢીઓનાં બૅન્ક-અકાઉન્ટ્સ ફ્રીઝ કરાતાં સુરતના ડાયમન્ડ માર્કેટમાં અંદાજે ૧૫૦થી ૨૫૦ કરોડ રૂપિયાના વ્યવહારો સ્થગિત થઈ ગયા છે અને વેપારીઓ પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હીરાઉદ્યોગોના ૨૭ વેપારીઓને બૅન્ક દ્વારા તેમનાં અકાઉન્ટ્સ ફ્રીઝ કરવાની નોટિસ મળતાં અને અકાઉન્ટ ફ્રીઝ કરાતાં હીરાઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને આ ગંભીર મુદ્દે છેક દિલ્હી સુધી રજૂઆત કરાઈ છે.
ADVERTISEMENT
જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાતના મેમ્બર દિનેશ નાવડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેલગંણ અને કેરલા જેવાં રાજ્યોમાં થયેલી સાઇબર ક્રાઇમની ફરિયાદને આધાર બનાવીને ત્યાંની પોલીસે સુરતની હીરાની ૨૭ પેઢીઓનાં બૅન્ક-અકાઉન્ટ્સ ફ્રીઝ કર્યાં છે. સુરતની બૅન્કોએ પણ અન્ય રાજ્યોની પોલીસે આપેલી સૂચનાનું પાલન કરીને કેસની હકીકત જાણ્યા વગર હીરાની પેઢીઓનાં બૅન્ક-અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેતાં સુરતના હીરાના ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના વ્યવહારો સ્થગિત થઈ ગયા છે. છેલ્લા વીસેક દિવસ દરમ્યાન સુરતની જુદી-જુદી હીરાની પેઢીઓનાં બૅન્ક-ખાતાં ફ્રીઝ થયાં છે, જેને કારણે અંદાજે ૧૫૦થી ૨૫૦ કરોડ રૂપિયાના વ્યવહારો અટવાઈ ગયા છે. ત્રણેક દિવસ પહેલાં આ મુદ્દે હીરાના ઉદ્યોગપતિઓએ મને મૌખિક અને લેખિત ફરિયાદ કરી હતી. આ મામલો ગંભીર છે એટલે સુરતના ઍડિશનલ પોલીસ કમિશનર, (ક્રાઇમ) શરદ સિંઘલને ફોન કરીને વિગત સમજાવી હતી. આજે હીરાઉદ્યોગની પેઢીઓના વેપારીઓ તેમને મળીને આ પ્રશ્નનો ઉકેલ લાવવાની રજૂઆત કરશે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘પહેલી નજરે જોતાં એવું જણાય છે કે વેપારીઓને બૅન્કોએ કોઈ કારણ આપ્યું નથી કે કયા કારણથી બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ થયું છે. બીજું એવું જણાય છે કે ત્રાહિત વ્યક્તિની ફરિયાદ છે. જે વ્યક્તિના અકાઉન્ટમાં સાઇબર ક્રાઇમ થયો છે તેની એકેય એન્ટ્રી નથી. આમ છતાં પોલીસે ત્રાહિત પેઢી જેને સાઇબર ક્રાઇમની સાઇકલમાં ક્યાંય સંબંધ નથી એવા વેપારીઓનાં અકાઉન્ટ્સ ફ્રીઝ કરીને તેમના માટે મોટી આફત ઊભી કરી છે. વેપારીઓની એવી પણ ફરિયાદ છે કે અન્ય રાજ્યની પોલીસ સ્થાનિક વેપારીઓનાં બૅન્ક-અકાઉન્ટ્સ આડેધડ ફ્રીઝ કરી રહી છે અને એ ફરી ચાલુ કરી આપવાના બદલામાં વ્યવહાર કરવાની ફરજ પડાતી હોવાની ફરિયાદો પણ મળી છે.’
સુરતના હીરાબજારમાં છેલ્લાં ૧૫ વર્ષથી શાખ જમાવીને હીરાનો બિઝનેસ કરી રહેલી એક પેઢીના માલિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા પાંચ દિવસથી મારાં ત્રણ બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયાં છે. એમાં સૅલરી અકાઉન્ટ અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટનું બૅન્ક-અકાઉન્ટ પણ ફ્રીઝ કર્યું છે. તેલંગણના હૈદરાબાદની પોલીસે મારાં બૅન્ક-અકાઉન્ટ્સ ફ્રીઝ કર્યાં છે. પોલીસે તપાસ માટે જે ડૉક્યુમેન્ટ્સ મગાવ્યા હતા એ તમામ મોકલી દીધા છે, ઈ-મેઇલ પણ કર્યા છે અને વિનંતી કરતાં કહ્યું છે કે અમારાં બૅન્ક-અકાઉન્ટ્સ કેમ ફ્રીઝ કર્યાં છે? આવું ન કરો, નહીં તો અમારું બધું કામકાજ અટવાઈ જશે. જોકે પોલીસ જવાબ આપતી નથી. આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન અમિત શાહને ઈ-મેઇલ કરીને રજૂઆત કરી છે કે પોલીસે અમારા બધાનાં બૅન્ક-અકાઉન્ટ્સ ફ્રીઝ કર્યાં છે તો એનું કારણ શું એનો જવાબ પોલીસ આપતી નથી જેને કારણે વેપારીઓ હેરાન થાય છે.’
બૅન્ક-અકાઉન્ટ્સ ફ્રીઝ થવાને કારણે પડી રહેલી મુશ્કેલીઓ વિશે વાત કરતાં આ વેપારીએ કહ્યું હતું કે ‘મારું બૅન્ક-અકાઉન્ટ બીજી વખત ફ્રીઝ થયું છે. પહેલી વાર આવું થયું ત્યારે મારે ત્યાં ૪૦૦ કારીગરો હતા. એમાંથી અત્યારે ૧૫૦ જેટલા કારીગરો રહ્યા છે. ટાઇમસર પગાર ન થાય તો કારીગરો જતા રહે છે. અત્યારે કારીગરોને સૅલરી ચૂકવવાનો ટાઇમ છે એ કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. કોઈને પેમેન્ટ કરવાનું હોય, લેવડદેવડ કરવાની હોય એ થઈ શકતી નથી. ૧૫ વર્ષ જૂની અમારી કંપની છે. ક્રેડિટ પર માલ આવતો હોય છે ત્યારે ફૉરેન પેમેન્ટ કરવાનું હોય છે એ નથી થતું એટલે ક્રેડિટનો સવાલ ઊભો થાય છે. પેમેન્ટ સમયસર ન થઈ શકે તો કારીગરો જતા રહે છે. આ રીતે બૅન્ક-અકાઉન્ટ્સ એકાદ મહિનો ફ્રીઝ રહેશે તો અમારે કારખાનાં બંધ કરવાનો વારો આવી શકે છે.’