પાવાગઢ, ચોટીલા, ઊંઝા, માતાના મઢ સહિતનાં આસ્થાનાં ધામોમાં ખેલૈયાઓ ગરબે ઘૂમશે: અમદાવાદમાં મહિલા પોલીસની ૮૦ જેટલી ખાસ ટીમ ગરબાના સ્થળે રોમિયો પર રાખશે નજર: ૮૦ જેટલા કમર્શિયલ ગરબા માટે અમદાવાદ પોલીસમાં અરજી
અમદાવાદમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (GMDC)ના ગ્રાઉન્ડમાં યોજાનારા ગરબાના ઉદ્ઘાટન કાર્યક્રમની પ્રૅક્ટિસ કરી રહેલી યુવતીઓ. (તસવીરઃ જનક પટેલ)
આદ્યશક્તિ જગદ જનનીનું નવરાત્રિ પર્વ રૂમઝૂમ કરતું આવી પહોંચ્યું છે ત્યારે ગુજરાતમાં આવેલાં અંબાજી અને બહુચરાજી સહિત માતાજીનાં વિશ્વપ્રસિદ્ધ ૯ યાત્રાધામો અને શક્તિપીઠમાં નવરાત્રિનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઊજવાશે. બીજી તરફ અમદાવાદમાં નવરાત્રિ દરમ્યાન ગરબે ઘૂમતી બહેન-દીકરીઓ માટે મહિલા પોલીસની ૮૦ જેટલી ખાસ ટીમો તેમની સુરક્ષામાં રહેશે અને ગરબાનાં સ્થળોએ આ ટીમો રોમિયો પર નજર રાખશે.
ઉત્તર ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં અને બહુચરાજી શક્તિપીઠમાં નવરાત્રિ દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા ૯ દિવસ ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય સ્થાનકો પર એક-એક દિવસના ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકામાં હરસિદ્ધિ માતાજીના મંદિરે ૪ ઑક્ટોબરે, મહેસાણા જિલ્લામાં ઉમિયા માતાજીના મંદિરે, ઊંઝામાં તથા કચ્છમાં માતાના મઢમાં આશાપુરા માતાજીના મંદિરે પાંચમી ઑક્ટોબરે, પંચમહાલમાં પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે ૭ ઑક્ટોબરે, અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિરે ૮ ઑક્ટોબરે, ચોટીલામાં ચામુંડા માના મંદિરે તથા મહેસાણા પાસે મોઢેરા ખાતે મોઢેશ્વરી માતાજીના મંદિરે ૯ ઑક્ટોબરે ગરબાના કાર્યક્રમ યોજાશે. માતાજીનાં આ સ્થાનકોમાં ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા ગરબાના કાર્યક્રમ યોજાશે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકશે.
ADVERTISEMENT
અમદાવાદમાં નવરાત્રિના પર્વમાં આ વખતે ૮૦ જેટલા કમર્શિયલ આયોજકોએ ગરબાના કાર્યક્રમ યોજવા માટે અમદાવાદ પોલીસમાં અરજી કરી છે. બીજી તરફ નવરાત્રિ પર્વને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે જુદાં-જુદાં પોલીસ-સ્ટેશનના કર્મચારીઓ ઉપરાંત ૧૪,૦૦૦ જેટલા પોલીસ-કર્મચારીઓ નવરાત્રિ દરમ્યાન સ્ટૅન્ડ-બાય રહેશે.