કોઈપણ કૃતિ પર કૉપીરાઇટ બાદ મળ્યા બાદ તેના પર રોયલ્ટી વસૂલવામાં આવે છે, પરંતુ અતુલ દાદાએ એ વાત પણ સ્પષ્ટ કરી છે કે તેઓ કોઈ રોયલ્ટી લેવાના નથી
ફાઇલ તસવીર
‘તારા વિના શ્યામ મને એકલડું લાગે’ નવરાત્રિ આ મધુર ગરબા વિના અધૂરી છે, પણ શું તમે જાણો છો કે આ ગરબો કોણે લખ્યો છે? આ ગરબો વડોદરાના જાણીતા ગાયક અતુલ પુરોહિતે લખ્યો હતો. ત્રણ દાયકા પહેલાં તેમણે આ ગરબો લખ્યો હતો અને વિનોદ આયંગરે તેને સંગીત આપ્યું હતું. જોકે, હવે અતુલ પુરોહિતે હવે આ ગરબા માટે કૉપીરાઇટ મેળવી લીધો છે.
કોઈપણ કૃતિ પર કૉપીરાઇટ બાદ મળ્યા બાદ તેના પર રોયલ્ટી વસૂલવામાં આવે છે, પરંતુ અતુલ દાદાએ એ વાત પણ સ્પષ્ટ કરી છે કે તેઓ કોઈ રોયલ્ટી લેવાના નથી. લોકો પહેલાંની જેમ જ આ ગરબો ગાઈ શકે છે. હકીકતે કેટલાક કલાકારોએ દાવો કરવાનું શરૂ કર્યું હતું કે આ ગરબાનો અમુક ભાગ તેમણે લખ્યો અને કંપોઝ કર્યો છે. તેથી અતુલ પુરોહિતે તેને કૉપીરાઇટ કરાવ્યો છે. આ સંદર્ભે અમે અતુલ પુરોહિતનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ રહ્યો નહીં.
ADVERTISEMENT
આ સંદર્ભે અતુલ પુરોહિતે એક મીડિયા હાઉસને જણાવ્યું કે “આ ગરબાની લોકપ્રિયતાને કારણે, શક્ય હતું કે કોઈ મ્યુઝિક કંપની તેના પર કૉપીરાઈટનો દાવો કરે. તેથી, મેં મારા સૌથી પ્રિય સર્જન પર કૉપીરાઈટ મેળવવાનું નક્કી કર્યું હતું. મેં ગયા વર્ષે `લિટરરી/ડ્રામા વર્ક` કેટેગરી હેઠળ આ ગરબાના કૉપીરાઈટ માટે અરજી કરી હતી અને કૉપીરાઈટ ઑફિસે આ વર્ષે મને અધિકારો આપ્યા છે.”
અતુલ દાદા ઉમેરે છે કે “અમે 1985માં `તારા વિના શ્યામ` આલ્બમ બહાર પાડ્યું હતું અને આ ગરબો ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. તે અમારા માટે એક ટર્નિંગ પોઈન્ટ હતો. ધીરે ધીરે, અન્ય ઘણા કલાકારોએ આ ગાવાનું શરૂ કર્યું.”
રસપ્રદ વાત એ છે કે, આ ગરબો વડોદરાની SSG હોસ્પિટલના ગેટ પર ગરમ ચાની ચુસ્કીઓ લેતા લખાયો હતો.