મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૂચના મુજબ ગાંધીનગરમાં ડીજીપી ઑફિસ ખાતે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એક બેઠકમાં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓને સૂચના આપ્યા બાદ આ કામગીરી શરૂ કરાઈ હતી.
પ્રતિકાત્મક તસવીર (સૌજન્ય : આઈ-સ્ટૉક)
ગુજરાતમાં શુક્રવારે મોડી સાંજથી ૧૭ જેલોમાં એકસાથે મેગા સરપ્રાઇઝ ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૂચના મુજબ ગાંધીનગરમાં ડીજીપી ઑફિસ ખાતે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એક બેઠકમાં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓને સૂચના આપ્યા બાદ આ કામગીરી શરૂ કરાઈ હતી. પોલીસની ટુકડીઓ દ્વારા બૉડી વૉર્ન કૅમેરા સાથે સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું હતું. રાજ્યની મહત્ત્વની જેલો પૈકી સાબરમતી જેલ (અમદાવાદ), વડોદરા જેલ, રાજકોટ જેલ અને લાજપોર જેલ (સુરત) મળી ૪ મધ્યસ્થ જેલ ઉપરાંત ૧૧ જિલ્લા જેલ અને પાલારા તેમ જ ગળપાદર (કચ્છ)ની ખાસ જેલ મળી કુલ ૧૭ જેલોમાં પોલીસ તંત્રની અલગ-અલગ ટીમ બનાવી ઓચિંતી ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મેગા સર્ચ ઑપરેશન દરમ્યાન ૧૬ મોબાઇલ, ૧૦ ઇલેક્ટ્રિક ચીજવસ્તુ, ૩૯ ઘાતક વસ્તુઓ, ૫૧૯ ધૂમ્રપાનને લગતી વસ્તુઓ અને ૩ માદક પદાર્થો મળી આવ્યા છે. નોંધપાત્ર છે કે દેશમાં રાજ્યભરની જેલોમાં એકસાથે ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ દ્વારા મેગા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હોય એવી આ કદાચ પહેલી ઘટના હશે.