બીજેપીની પ્રચારઝુંબેશમાં વડા પ્રધાન મોદી મોખરે રહ્યા હતા તથા તેમના ઑરા અને અપીલને પગલે જ બીજેપી ૧૫૬ સીટ પર ચૂંટણી જીતી શકી છે
૧૫૬ બેઠક મળી હોવાથી સુરતના જ્વેલર્સે મોદીની ૧૫૬ ગ્રામ સોનાની પ્રતિમા બનાવી
નવી દિલ્હી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીની જીતની ઉજવણી કરવાના અનોખા અંદાજમાં ગુજરાતના સુરત જિલ્લાના જ્વેલર્સે ૧૫૬ ગ્રામ સોનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ કંડારી છે. વડા પ્રધાન મોદીની ૧૫૬ ગ્રામ વજનની સોનાની મૂર્તિ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત સાતમી વખત ભગવા પાર્ટીના જ્વલંત વિજયની સાખ પૂરે છે.
બીજેપીની પ્રચારઝુંબેશમાં વડા પ્રધાન મોદી મોખરે રહ્યા હતા તથા તેમના ઑરા અને અપીલને પગલે જ બીજેપી ૧૫૬ સીટ પર ચૂંટણી જીતી શકી છે, જેને ધ્યાનમાં રાખી વડા પ્રધાન મોદીની યાદગાર પ્રતિકૃતિ બનાવવા સુરતના જ્વેલરોએ સમાન પ્રમાણમાં સોનાનો ઉપયોગ કર્યો હતો. ૧૮ કૅરેટ સોનામાં લગભગ ૧૧ લાખ રૂપિયાના ખર્ચે વડા પ્રધાન મોદીની આ પ્રતિમા સુરતસ્થિત જ્વેલર્સ કંપની રાધિકા ચેઇન્સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જેને ૨૦ જેટલા કારીગરોએ મળીને ત્રણ મહિનામાં તૈયાર કરી હતી.