સાગરખેડુઓના ખમીરને ઉજાગર કરતી આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ સાગરકાંઠાના નાવિક, ટંડેલ, ખારવા, ખલાસી, માછી સમાજના ભાઈઓ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લેશે.
સઢવાળી હોડી-સ્પર્ધાનાે ફાઇલ ફોટો.
દક્ષિણ ગુજરાતની ડાયમન્ડ સિટીના આંગણે આજે પહેલી વાર સઢવાળી હોડીઓની હરીફાઈ યોજાશે. ૨૧ કિલોમીટરના અંતરવાળી આ સ્પર્ધા હઝીરા પોર્ટ રો–રો ફેરી પાસેથી શરૂ કરીને મગદલ્લા પોર્ટ સુધી યોજાશે.
ગુજરાતના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અને હરિઓમ આશ્રમ, નડિયાદ પ્રેરિત તેમ જ સુરત જિલ્લા વહીવટી વિભાગ દ્વારા સંચાલિત ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી-સ્પર્ધા હઝીરાથી શરૂ થઈને મગદલ્લા ગણપતિ-વિસર્જન ઓવારા પાસે પૂરી થશે. સાગરખેડુઓના ખમીરને ઉજાગર કરતી આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ સાગરકાંઠાના નાવિક, ટંડેલ, ખારવા, ખલાસી, માછી સમાજના ભાઈઓ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લેશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ૧૯૭૦-’૭૧માં પહેલી વાર દીવથી જાફરાબાદ વચ્ચે સમુદ્ર હોડી-સ્પર્ધા યોજાઈ હતી. સાગરખેડુઓમાં રહેલા ખમીરને ઉજાગર કરવા અને સમાજમાં આવા સાહસિકો પ્રત્યે ગુણભાવના પ્રગટે અને તેમના પુરુષાર્થની નોંધ લેવાય તેમ જ આવી સાહસિક પ્રવૃત્તિ દ્વારા યુવાનોમાં સાહસ, ધૈર્ય અને દેશદાઝ પ્રગટે એ માટે હોડી-સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. દર વર્ષે જુદા-જુદા સ્થળે આ સ્પર્ધા યોજાય છે. છેલ્લી સ્પર્ધા બેટ દ્વારકામાં યોજાઈ હતી, આ વર્ષે પહેલી વાર સુરતમાં યોજાઈ રહી છે.

