દેશમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો: સંઘાણી ફૅમિલીએ ચીંધ્યો નવો રાહ
પાંચ દિવસના બાળકના લિવરને લઈ જવાયું ત્યારે બાળકની મમ્મી તેમ જ પરિવારના સભ્યો હાજર હતાં (તસવીર : પ્રદીપ ગોહિલ)
દક્ષિણ ગુજરાતના વડા મથક સુરતમાં માત્ર પાંચ દિવસના બાળકનાં અંગોના દાનનો હૃદયસ્પર્શી કિસ્સો બન્યો છે. બાળકના જન્મ બાદ બાળક હલચલન કરતું નહોતું અને તેની તમામ પ્રકારની મેડિકલ તપાસ કર્યા બાદ ડૉક્ટરોએ આ બાળકને બ્રેઇન-ડેડ જાહેર કર્યા બાદ એક મહિનો પણ ન થયો હોય એવા બાળકનાં અંગોનું પણ દાન થઈ શકે એની રાહ સુરતના સંઘાણી ફૅમિલીએ ચીંધી છે અને સંભવિત રીતે ભારતમાં માત્ર પાંચ દિવસના બાળકના અંગદાનના પ્રથમ કેસમાં બે કિડની, બરોળ, લિવર અને આંખનું દાન કરવામાં આવ્યું છે જેને કારણે પાંચ દિવસના બાળકનાં અંગોથી ધરતી પર પગલાં માંડનારી પાંચ જિંદગી નંદનવન બનશે.
સુરતના જીવનદીપ ઑર્ગન ડોનેશન ફાઉન્ડેશનના મૅનેજિંગ ટ્રસ્ટી વિપુલ તળાવિયાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘સુરતના વાલક પાટિયા વિસ્તારમાં રહેતાં હર્ષ સંઘાણી અને ચેતના સંઘાણીને ત્યાં ૧૩ ઑક્ટોબરે દીકરો જન્મ્યો હતો. જન્મ બાદ આ બાળક હલનચલન કરતું નહોતું. આ પરિવારના ફૅમિલી-ફ્રેન્ડે બાળકના અંગદાનની માહિતી મેળવીને અમારા જીવનદીપ ઑર્ગન ડોનેશન ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો, જેથી બાળકના પિતા હર્ષ સંઘાણી, માતા ચેતનાબહેન, દાદા અતુલભાઈ, દાદી રશ્મિબહેન સહિત સૌને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. એટલે સંઘાણી પરિવારે પાંચ દિવસના તેમના વહાલસોયા દીકરાનાં અંગોનું દાન કરવાનો સામૂહિક નિર્ણય લીધો હતો.’
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘અંગદાનની સંમતિ મળ્યા બાદ સ્ટેટ ઑર્ગન ઍન્ડ ડિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશનના ડૉ. પ્રાંજલ મોદીનો સંપર્ક કર્યો ત્યારે તેમને પણ આશ્ચર્ય થયું હતું. બાળકની વિવિધ ટેસ્ટ કરાવવામાં આવી હતી અને અંગદાન માટે બાળકને પી. પી. સવાણી હૉસ્પિટલમાં લઈ જવાયું હતું. આઇકેડીઆરસીની મદદથી બાળકની બે કિડની, બે આંખ, બરોળ અને લિવરનું દાન લેવામાં આવ્યું હતું. બાળકનાં આ તમામ અંગો નાનાં બાળકોમાં જ ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યાં છે. બન્ને કિડની અને બરોળ અમદાવાદ, લિવર દિલ્હી અને આંખ સુરતની ચક્ષુ બૅન્કને મોકલવામાં આવી હતી.’
વિપુલ તળાવિયાએ કહ્યું કે ‘બાળકોના અંગદાનમાં સંભવિત રીતે ભારતમાં આ અંગદાન સૌથી નાની વયના બાળકનું છે. વિશ્વમાં પણ જન્મના કલાકો બાદ અંગદાન કરનાર આ બીજું જ બાળક છે. સંઘાણી પરિવાર અને ડૉક્ટરોની મદદથી આ કાર્ય શક્ય બન્યું છે અને સંઘાણી પરિવારે પાંચ દિવસના તેમના બાળકનું અંગદાન કરીને સમાજમાં દાખલો બેસાડ્યો છે.’