મોદી અટક પર રાહુલ ગાંધીની વિવાદિત ટિપ્પણીના કેસનો ચુકાદો આપતાં સુરતના ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ હરીશ વર્માએ આવું નિરીક્ષણ કર્યું
રાહુલ ગાંધી
મોદી અટક પર રાહુલ ગાંધીની વિવાદિત ટિપ્પણીના કેસનો ચુકાદો ૩ વર્ષ ૧૧ મહિના અને ૮મા દિવસે આવ્યો. સંભવિત રીતે રાહુલ ગાંધીને પહેલી વાર સજા થઈ.
કોર્ટમાં ૨૯ દસ્તાવેજી પુરાવા રજૂ થયા, જેમાં તૈલી સમાજના ઇતિહાસનો નકશો પણ રજૂ કરસામાં આવ્યો હતો. એ ઉપરાંત પેનડ્રાઇવ, ત્રણ સીડી, ગુજરાત સરકાર, સમાજ કલ્યાણ વિભાગની તા. ૦૧-૦૮-૧૯૯૫ના નૉટિફિકેશનની નકલ, કોલારના ઇલેક્શન તહસીલદારે તા. ૧૪-૭-૨૦૨૧ના રોજ આપેલી આરટીઆઇ અરજીના રિપ્લાયની નકલ સહિતના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં ફરિયાદી પૂર્ણેશ મોદી સહિત ૯ વ્યક્તિની જુબાની લેવાઈ હતી.
કોર્ટે ૧૬૮ પાનાંનો ચુકાદો જાહેર કર્યો હતો. સુરતના ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ હરીશ વર્માએ તેમના ચુકાદામાં નોંધ્યું છે કે આરોપી પોતે સંસદસભ્ય છે અને સંસદસભ્ય તરીકે તેમની પ્રજાને સંબોધન કરવાની બાબત ખૂબ ગંભીર છે, કારણ કે જ્યારે સંસદસભ્યની હેસિયતથી કોઈ વ્યક્તિ પ્રજાને સંબોધન કરતો હોય ત્યારે એની ખૂબ વ્યાપક અસર પ્રજા પર પડતી હોય છે અને એને કારણે સદર ગુનાની ગંભીરતા વધુ છે તેમ જ જો આરોપીને ઓછી સજા કરવામાં આવે તો પ્રજામાં પણ એનાથી ખોટો મેસેજ જાય એમ છે અને બદનક્ષીના જે હેતુ છે એ હેતુસર થશે નહીં અને કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી કોઈ પણ વ્યક્તિની બદનક્ષી કરશે. એથી તમામ હકીકતોને ધ્યાનમાં લેતાં આરોપીને સદર ગુનાના કામે જે બે વર્ષની સજાની જોગવાઈ છે એટલી સજા કરવી ન્યાયોચિત જણાય છે.
રાહુલ ગાંધીને સજા જાહેર થયા બાદ ગઈ કાલે સાંજે સુરત બીજેપી કાર્યાલયના કાર્યકરોએ ફટાકડા ફોડ્યા હતા. સજા થયા બાદ અને જામીન મળ્યા બાદ રાહુલ ગાંધીએ ગુજરાત કૉન્ગ્રેસના સિનિયર આગેવાનો સાથે બેઠક યોજી હતી.