વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં જ્યોત પ્રજ્વલિત કરી શરૂ કરાશે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ: આજથી શરૂ થતા મહોત્સવમાં ગબ્બર પર થશે ભારતનો સૌથી મોટો લાઇટ ઍન્ડ સાઉન્ડ શો જે માઈભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે
અંબાજીમાં ગબ્બર પર જગદજનની જગદંબાની કથા કહેતો લાઇટ ઍન્ડ સાઉન્ડ શો દર્શાવવામાં આવશે એની તૈયારીની ઝાંખી
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આજે ગબ્બર પરથી માતાજીની જ્યોત લાવી મંદિરોમાં જ્યોત પ્રજ્વલિત કરી શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો મંગળ પ્રારંભ કરવામાં આવશે. આ મહોત્સવમાં મા જગદંબાની કથા રજૂ કરતો ભારતનો સૌથી મોટો લાઇટ ઍન્ડ સાઉન્ડ શો અંબાજી ગબ્બર પર થશે જે માઈભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી ત્રણ દિવસ માટે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ માતાજીના મંદિરે દર્શન કરીને રૂપિયા ૧૩.૩૫ કરોડના ખર્ચે નવનિર્મિત લાઇટ ઍન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરશે. આ સાથે તેઓ ગબ્બર ખાતેના સાંસ્કૃતિક વિલેજનું ઉદ્ઘાટન અને અંબાજી મંદિરની વેબસાઇટ તેમ જ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મોબાઇલ ઍપ લૉન્ચ કરશે. અંબાજી ગબ્બરની વિશાળ શિલા પર લાઇટ ઍન્ડ સાઉન્ડ શો યોજાશે, જે એક અનોખી મંગળ ઘટના બનશે. લાઇટ અને સાઉન્ડની ઇફેક્ટ સાથે માતાજીની કથાને વર્ણવતો આ શો માઈભક્તો માટે એક સંભારણું બની રહેશે એવું જણાઈ રહ્યું છે.
ADVERTISEMENT
આજે અંબાજી ગબ્બરની ફરતે આવેલાં ૫૧ શક્તિપીઠ મંદિરોમાં મૂર્તિના પૂજારીઓ અને સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ પ્રક્ષાલન વિધિ કરશે. સવારે શોભાયાત્રા–પરિક્રમા યાત્રા યોજાશે, જેમાં ગબ્બર ગેટ સર્કલથી ગબ્બર પ્રવેશદ્વાર સુધી અંબાજીમાં આવેલી આદિવાસી આશ્રમશાળાની ૫૧ દીકરીઓ દ્વારા કળશયાત્રા યોજાશે, જ્યારે ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા ગબ્બરની ટોચ પરથી માતાજીની જ્યોત લાવી તમામ મંદિરોમાં જ્યોત અર્પણ કાર્યક્રમ સાથે પરિક્રમાનો પ્રારંભ થશે. અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલી પાંચ યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે. આ ઉપરાંત ભજન સત્સંગ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો તેમ જ આરતી યોજાશે.