ભૂતડી ઝાંપા વિસ્તારમાં થયો પથ્થરમારો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા ને મામલો થાળે પાડ્યો, સાંજે ફરી પથ્થરમારો થતાં નાસભાગ મચી
વડોદરામાં ભૂતડી ઝાંપા વિસ્તારમાં પથ્થરમારો થયો હતો એ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
સમગ્ર દેશમાં ગઈ કાલે રામનવમીનો તહેવાર ઉલ્લાસપૂર્વક ઊજવાઈ રહ્યો હતો ત્યારે ગુજરાતના વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર કાંકરીચાળો થયો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આટલું ઓછું હોય એમ સાંજે પણ ફરી પથ્થરમારો થતાં શહેરમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો.
વડોદરામાં ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે હરણી વિસ્તારમાંથી રામનવમી નિમિત્તે શહેરમાં શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા કારેલીબાગના ભૂતડી ઝાંપા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી એ દરમ્યાન સામાન્ય બોલાચાલી થઈ હતી અને એમાંથી અચાનક પાંજરીગર મહોલ્લા પાસે પથ્થરમારો થયો હતો. પથ્થરમારો થતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી. તોફાની તત્ત્વોએ કેટલાંક વાહનોમાં તોડફોડ કરી હતી. પથ્થરમારાની ઘટનાની જાણ થતાં જ વડોદરાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો અને આ વિસ્તારમાં કૉમ્બિંગ હાથ ધર્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહનો લોકોત્સવ આજથી ઊજવાશે
વડોદરા પોલીસ હજી તો રાહતનો શ્વાસ લે ત્યાં સમી સાંજે ફતેહપુરા ચાર રસ્તા પરથી પસાર થતી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. ફતેહપુરા બાદ યાકુબપુરા વિસ્તારમાં પણ પથ્થરમારો થયો હતો. કહેવાય છે કે ધાબા પરથી પથ્થરમારો થતાં શોભાયાત્રામાં જોડાયેલા કેટલાક લોકોના માથામાં પથ્થર વાગ્યા હતા.પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને બે શખ્સની ઘટનાસ્થળેથી અટકાયત કરી હતી. ફરી વાર તોફાની તત્ત્વોએ અશાંતિ ફેલાવવાની સાજીસ કરતાં ખુદ વડોદરા શહેરના પોલીસ કમિશનર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પોલીસ કર્મચારીઓ સાથે મળી મામલો થાળે પાડ્યો હતો.