ભક્તો ઉપરાંત સંત સમાજમાં પણ ભડભડતો રોષ-આક્રોશ છે. પીળા કલરનું આવરણ ઢાંકી દેવાયું છે. સિહોરમાં કરાયેલી અરજી બોટાદ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાઈ છે.
હનુમાનજીની વિરાટ પ્રતિમા, સાળંગપુર
ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા કષ્ટભંજનદેવ હનુમાનદાદાના મંદિર પરિસરમાં મૂકવામાં આવેલી હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે મૂકવામાં આવેલી અલગ-અલગ પૅનલો પૈકીની પૅનલમાં હનુમાનદાદાને પગે લાગતા દર્શાવ્યા હોવાના મુદ્દે વિવાદ ઊઠ્યો છે, એટલું જ નહીં, હનુમાનજીના ભક્તોમાં રોષ ફેલાયો છે અને આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા માટે સિહોર પોલીસ-સ્ટેશનમાં કરાયેલી અરજી બોટાદ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. રોષને કારણે પૅનલો પર પીળા કલરનું આવરણ ઢાંકી દેવામાં આવ્યું છે.
આ મુદ્દે સાળંગપુરના હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકો જે મિસગાઇડ કરી મિસફાયર કરે છે એ વાત અલગ છે અને રિયલિટી વાત અલગ છે. જે એક્સપોઝ કરે છે તેઓ પ્રત્યક્ષ અહીં આવીને પૅનલો જુએ તો જે હનુમાનજી મહારાજ ધર્મદેવને–સ્વામીનારાયણ ભગવાનને વંદન કરે છે તો સામે ધર્મદેવ–સ્વામીનારાયણ ભગવાન પણ હનુમાનજી મહારાજને વંદન જ કરે છે. જેમ આપણે એકબીજાને મળીએ અને નમસ્કાર કરીએ તો સામે તમે પણ નમસ્કાર કરો તો એ એક વિવેક છે. એટલે આ એ રીતે નમસ્કારની બાબત છે. આ મુદ્દો હનુમાનજી મહારાજને દાસ બનાવવાનો નથી કે લોકોને કે સમાજને ગેરમાર્ગે દોરવાનો નથી.’
ADVERTISEMENT
સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત અને સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં થોડા સમય પહેલાં હનુમાનદાદાની ઊંચી પ્રતિમાનું અનાવરણ થયું હતું. આ વિરાટ અને અદ્ભુત પ્રતિમાથી ભાવિકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને એને જોવા માટે દેશ-વિદેશથી ભાવિકો આવી રહ્યા છે ત્યારે હનુમાનજીની આ વિરાટ પ્રતિમા નીચે લગાવેલી પૅનલો પૈકી કેટલીક પૅનલમાં હનુમાનજીને પગે લાગતી એટલે કે નમસ્કારની મુદ્રામાં દર્શાવ્યા હોવાનું જણાઈ આવતાં આ મુદ્દે વિવાદ ઊઠ્યો છે. આ વિવાદ સોશ્યલ મીડિયામાં ઊઠ્યો હતો અને ભાવિકોમાં રોષ ફેલાયો છે ત્યારે હવે આ વિવાદ ધીરે-ધીરે આગળ વધતાં ગુજરાતના સંત સમાજના સંતોએ પણ આની સામે વિરોધ ઉઠાવ્યો છે.
કથાકાર મોરારીબાપુ, જ્યોતિર્લિંગનાથજી બાપુ, રામેશ્વર હરિયાણી બાપુ સહિતના સંતોએ આની સામે પોતાની પ્રતિક્રિયા આપીને ખેદ દર્શાવ્યો છે. સંત સમાજનો સૂર એવો છે કે હનુમાનજી ભગવાન રામના ચરણમાં બેસે, અન્ય કોઈના ચરણમાં ન બેસે. કેટલાક ભાવિકો આને હનુમાનદાદાનું અપમાન ગણાવી રહ્યા છે.
સિહોર પોલીસે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમને અરજી મળી છે, પરંતુ આ સ્થળ બોટાદ પોલીસની હદમાં આવતું હોવાથી આ અરજી બોટાદ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી છે.’ આ વિવાદ વચ્ચે સ્વામીનારાયણ મંદિર - વડતાલધામ સંચાલિત યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે હનુમાનદાદાને રાખડીઓનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
વિવેકસાગરદાસ સ્વામીએ વધુમાં કહ્યું કે ‘સ્વામીનારાયણ સંપ્રદાય જૂનો છે. બધા કહે છે કે સ્વામીનારાયણ સંપ્રદાય તો ૨૫૦ વર્ષ જૂનો છે, ૨૪૦ વર્ષ જૂનો છે. તો સંપ્રદાય જૂનો છે, હનુમાનજી મહારાજ તો ચિરંજીવી છેને, અજરાઅમર છે. તમારી ભક્તિનો ઉદય થાય તો આજે પણ તમને દિવ્ય રૂપે દર્શન આપે. હનુમાનજી મહારાજ ભગવાન શ્રીરામના ભક્ત છે, શ્રીરામના જ દાસ છે. હનુમાનજી મહારાજને અમે ભગવાન માનીએ છીએ અને સેવા કરીએ છીએ. હનુમાનજી મહારાજને દાસ બતાવવાનું કે નીચા દેખાડવાનું કોઈ ઇરાદો નથી. જો અમે ભગવાનમાં ન માનતા હોઈએ અને તેમને દાસ ગણતા હોઈએ તો તેમની સેવા આટલી આખા ભારતવર્ષની અંદર જે સાળંગપુરધામમાં હનુમાનદાદાની સેવા થાય છે એવી સેવા કોઈ પણ ક્ષેત્રમાં નહીં થતી હોય.’