કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ૧૯ એકરમાં ફેલાયેલી ફૅક્ટરીની મુલાકાત લીધી, જ્યાં બને છે દરરોજ ૧૨૦ મોટા સ્લૅબ
કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કીમમાં આવેલી ટ્રૅક સ્લૅબ ફૅક્ટરીની મુલાકાત લઈને ટ્રૅક સ્લૅબ વિશે જાણકારી મેળવી હતી.
દક્ષિણ ગુજરાતના કીમની ફૅક્ટરીમાં ટ્રૅક સ્લૅબ બની રહ્યા છે. આ ફૅક્ટરી દેશની પહેલી બુલેટ ટ્રેન માટે દુનિયાની સૌથી મોટી ટ્રૅક સ્લૅબ ફૅક્ટરીઓમાંની એક છે.
માંગરોળ તાલુકામાં આવેલા કીમમાં ટ્રૅક સ્લૅબ મૅન્યુફૅક્ચરિંગ ફૅક્ટરીની કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે મુલાકાત લીધી હતી અને બુલેટ ટ્રેન માટે બની રહેલા ટ્રૅક સ્લૅબની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમને નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશનના મૅનેજિંગ ડિરેક્ટર વિવેક ગુપ્તાએ સ્લૅબના ઉત્પાદન વિશે માહિતી આપી હતી. અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘બુલેટ ટ્રેન માટે ટ્રૅક સ્લૅબ મહત્ત્વનું કમ્પોનન્ટ હોય છે જેના પર ટ્રેનના પાટા ફિટ થતા હોય છે. આ સ્લૅબ જૅપનીઝ ટેક્નૉલૉજીથી બનાવવામાં આવી રહ્યા છે. કીમની આ ફૅક્ટરી દુનિયાની સૌથી મોટી ટ્રૅક સ્લૅબ ફૅક્ટરીઓમાંની એક છે. અહીં જપાનની અદ્યતન ટેક્નિકનો ઉપયોગ કરીને ટ્રૅક સ્લૅબ બનાવવામાં આવી રહ્યા છે.’
ADVERTISEMENT
વિશાળ ફૅક્ટરીમાં ટ્રૅક સ્લૅબ બનાવવાની તૈયારીઓ અને તૈયાર થઈને બહાર મુકાયેલા ટ્રૅક સ્લૅબ.
મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનના કુલ ૫૦૮ કિલોમીટર અંતરમાં ટ્રૅક સ્લૅબ નાખવામાં આવી રહ્યા છે. ૧૯ એકરમાં ફેલાયેલી ફૅક્ટરીમાંથી ૭ એકરમાં ઉત્પાદન પ્લાન્ટ છે. પ્રી-કાસ્ટ રીઇન્ફોર્સ્ડ કૉન્ક્રીટ ટ્રૅક સ્લૅબ સામાન્ય રીતે ૨૨૦૦ મિલીમીટર પહોળા, ૪૯૦૦ મિલીમીટર લાંબા અને ૧૯૦ મિલીમીટર જાડા હોય છે અને એક સ્લૅબનું વજન લગભગ ૩.૯ ટન હોય છે. આ ફૅક્ટરીમાં રોજના આવા ૧૨૦ સ્લૅબ બની રહ્યા છે અને કુલ લક્ષ્યાંક ૯૬,૦૦૦ સ્લૅબ બનાવવાનો છે.