અંકલેશ્વરની ૭૨ બંગલાની સોસાયટીના રહેવાસીઓ રવિવારની રાત ક્યારેય નહીં ભૂલે. રાતે નવ વાગ્યે આવવાનું શરૂ થયેલું નર્મદાના પૂરના પાણીનું વહેણ એટલું વિકરાળ હતું કે દસ જ મિનિટમાં આખો ફ્લોર પાણી-પાણી થઈ ગયો.
પૂરના પાણીની વચ્ચે દહેશતની કાળી રાત
અમદાવાદ : નર્મદા નદીના પાણીનો ધસમસતો પ્રવાહ એવો ઝડપી હતો કે અંકલેશ્વરમાં દિવા રોડ પર આવેલી યશોધરા સોસાયટીના રહેવાસીઓ કંઈ સમજે એ પહેલાં તો સોસાયટીના તમામ બંગલાઓના નીચેના ફ્લોર પાણીમાં ગરકાવ થઈ જતાં ભયનું લખલખું ફરી વળ્યું હતું. પરિણામે સોસાયટીના રહેવાસીઓ જીવ બચાવીને ટેરેસ પર દોડી ગયા હતા અને ગભરાટના માર્યા આખી રાત ઉભડક જીવે પસાર કરી હતી.
નર્મદાના પૂરના એ ધસમસતા પાણીના પ્રવાહને યાદ કરતાં યશોધરા સોસાયટીમાં રહેતા આશિષ પટેલે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાતે હું અને મારો દીકરો અથર્વ ઘરમાં હતા. લગભગ નવ વાગ્યે પાણી આવવાનું શરૂ થયું હતું. આ પાણી એવું ધસમસતું આવ્યું કે સોસાયટીમાં કોઈને કોઈ ચાન્સ ન મળ્યો કે પોતાની ઘરવખરી બચાવી શકે. બસ, અમે બધાએ જીવ બચાવ્યો છે. પાણી એટલી સ્પીડમાં આવ્યું કે ૧૦ મિનિટમાં તો આખું ઘર પાણીથી ભરાઈ ગયું. નીચેનો આખો ફ્લોર પાણીથી ભરાઈ ગયો હતો અને હું મારા દીકરા સાથે જીવ બચાવીને ટેરેસ પર જતો રહ્યો હતો. મારી સોસાયટીમાં ૭૨ બંગલા છે તે તમામ બંગલામાં રહેતા તમામ લોકો જીવ બચાવીને ટેરેસ પર જતા રહ્યા હતા. અમે આખી રાત ભયના માર્યા જાગતા રહ્યા હતો. સતત એમ થતું હતું કે પાણી હજી તો નહીં વધેને? એક જ વિચાર આવતો હતો કે કેમ કરીને બચી જઈએ, સેફ રહી શકીએ એટલે ટેરેસ પર આવી ગયા હતા.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘રવિવારે રાતે પાણી ભરાયું હતું એ ગઈ કાલે સાંજે ઘરમાંથી ઊતર્યું હતું. એમ છતાં પણ ઘરમાં એકથી બે ફુટ પાણી હતું અને સોસાયટીમાં તો ત્રણ-ચાર ફુટ પાણી ભરાયેલું હતું. રાતે હું ટેરેસ પર પીવાનું પાણી લઈને આવ્યો હતો એટલે આખો દિવસ ખાલી પાણી પીને કાઢ્યો હતો. બધાનાં ઘરોમાં નીચેના માળમાં પાણી ભરાઈ ગયું હોવાથી ઘરવખરી પલળી ગઈ હતી. ખાવાની કોઈ વ્યવસ્થા નહીં અને આખો દિવસ કોઈ જોવા પણ આવ્યું નહોતું. સોસાયટીના સભ્યોએ ભૂખ્યા રહીને આખો દિવસ કાઢ્યો હતો, પણ ભગવાનને અમને બચાવ્યા છે.’
આશિષ પટેલનાં વાઇફ કિનલ પટેલની એકઝામ હોવાથી તેઓ વડોદરા એક્ઝામ આપવા ગયાં હતાં. તેમને ખબર પડી કે તેમના ઘરમાં પાણી ભરાઈ ગયું છે એટલે તેમણે તેમના રિલેટિવના ઘરે રોકાઈ જવું પડ્યું હતું.