પૂરઝડપે આવી રહેલા એક ડમ્પરચાલકે ધડાકાભેર કારને અડફેટે લીધી હતી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
સુરત–બારડોલી હાઇવે પર ગઈ કાલે બપોરે થયેલા કાર અને ડમ્પરના ગમખ્વાર અકસ્માતમાં પરિવારના છ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. લગ્નપ્રસંગમાં હાજરી આપીને પરત ફરતી વખતે બમરોલી ગામ પાસે રાઠોડ પરિવારની કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં કાર ૧૦૦ મીટર સુધી ઘસડાઈ હતી. ડમ્પર એટલી સ્પીડમાં અથડાયું હતું કે કારના જાણે કે ફૂરચા ઊડી ગયા હતા.
સુરતના મહુવા તાલુકાના તરસાડા ખાતે એક લગ્નપ્રસંગમાં હાજરી આપીને વડોદરામાં સર્વિસ કરતા મહેશ રાઠોડ તેમના પરિવારના સભ્યો અને બહેનનાં બાળકો સાથે પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે બમરોલી ગામ પાસે બારડોલી તરફથી પૂરઝડપે આવી રહેલા એક ડમ્પરચાલકે ધડાકાભેર કારને અડફેટે લીધી હતી. ડમ્પરની એવી તો સ્પીડ હશે કે કાર ૧૦૦ મીટર સુધી ઘસડાઈ હતી અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. હાઇવે પર કમકમાટી ભર્યો અકસ્માત થતાં લોકો દોડી આવ્યા હતા. જોકે આ દરમ્યાન ડમ્પરચાલક નાસી ગયો હતો. ઈજાગ્રસ્તોને બારડોલીની સરકારી હૉસ્પિટલ લઈ જવાયા હતા. કારમાં સવાર મહેશ રાઠોડ, તેમનાં પત્ની વનીતા રાઠોડ, તેમનાં બે બાળક ઉપરાંત તેમની સાથે જઈ રહેલા મહેશ રાઠોડની બહેનનાં ત્રણ સંતાનો હતાં, જેમાંથી છનાં મૃત્યુ થયાં છે, જ્યારે ૧૬ વર્ષનું એક બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું.