શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગુરુવારે જલારામજયંતીની પૂર્વસંધ્યાએ પાંજરાપોળમાં ગાયોને રોટલી, ઔષધીય લાડુ, લીલું ઘાસ પીરસાયાં
પશુ ભંડારામાં કેળાં, રોટલી, લાડુ આરોગતી ગાયો.
જલારામબાપાની જન્મજયંતીની પૂર્વસંધ્યાએ ગુરુવારે વડોદરાની પાંજરાપોળમાં શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ૨૦૦૧ કિલો કેળાં, રોટલી, ઔષધીય લાડુ અને લીલું ઘાસ પીરસાયું હતું અને ગાયો માટે પશુ ભંડારો કરવામાં આવ્યો હતો.
જલારામબાપાના ફોટો સમક્ષ કેળાં, રોટલી, ગોળ, ઔષધીય લાડુ, લીલું ઘાસ અર્પણ કરવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જલારામબાપાની જન્મજયંતી નિમિત્તે ગાયો માટે કંઈક કરવું હતું. અમને લાગ્યું કે માણસો માટે ભંડારો યોજાય છે તો પશુઓ માટે કોણ ભંડારો કરતું હશે? આ વિચારથી અમે ગાયો માટે ભંડારો કરવાનું આયોજન કર્યું હતું. વડોદરામાં સયાજીપુરા વિસ્તારમાં આવેલી પાંજરાપોળમાં અંદાજે ૫૦૦થી ૭૦૦ જેટલી ગાયો છે. અમે આ પાંજરાપોળમાં જઈ જલારામબાપાનો ફોટો મૂકીને તેમની સમક્ષ કેળાં, રોટલી, ગોળ, ઔષધીય લાડુ, લીલું ઘાસ અર્પણ કરીને એ બધું ગાયોને ખવડાવ્યું હતું. ગુજરાતમાં આવું પહેલી વાર બન્યું હશે કે પશુ માટે ભંડારો કરાયો હોય. ગાયમાં ૩૩ કોટિ દેવી-દેવતાઓનો વાસ છે ત્યારે સૌને ગાયમાતા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.’