સુરતના હચમચાવી નાખનારા આ કેસમાં મનીષ સોલંકીના ઘરમાંથી મળી આવેલી ચિઠ્ઠી મુજબ હાર્ડવેરનો બિઝનેસ પાર્ટનર સતત રૂપિયાની માગણી કરતો હતો, પરંતુ ૧૧ બૅન્કોએ લોન નકારતાં સામૂહિક હત્યાકાંડ થયો
ઇન્દરપાલ શર્મા પોલીસ સાથે (તસવીર : જતીન જાદવ)
સુરતના સોલંકી પરિવારના ઘરમાં એકસાથે સાત લોકોના મૃતદેહ મળવાના અત્યંત ચોંકાવનારા રહસ્યમય બની ગયેલા કેસમાં આખરે પોલીસને સફળતા મળી છે. પાર્ટનરના ૨૦ લાખ રૂપિયા દિવાળી પહેલાં ગમેતેમ કરીને પાછા આપવાના દબાણને લીધે મનીષે માતા-પિતા, પત્ની અને ત્રણ સંતાનની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલામાં મનીષના પાર્ટનરની ધરપકડ કરી છે. પાર્ટનરને રૂપિયા પાછા આપવા માટે મનીષ સોલંકીએ ૧૧ બૅન્કમાં દસ-દસ લાખ રૂપિયાની લોન લેવા માટે અરજી કરી હતી, પરંતુ બધી બૅન્કોમાંથી તેને લોન ન મળતાં તે હતાશ થઈ ગયો હોવાનું જણાઈ આવ્યું છે. મનીષ સોલંકીના ઘરની તપાસ કરતાં મળી આવેલી એક બુકમાં ૨૦ લાખ રૂપિયાનો વ્યવહાર થવા સંબંધી એક ચિઠ્ઠી પોલીસને હાથ લાગી હતી. એમાં તેણે હાર્ડવેરના બિઝનેસમાં કોઈ સાથે પાર્ટનરશિપ કરી હોવાની માહિતી પોલીસને મળી હતી.
૨૮ ઑક્ટોબરે સવારે સુરતના અડાજણના પાલનપુર પાટિયા પાસેના સિદ્ધેશ્વર અપાર્ટમેન્ટના ફ્લૅટમાંથી એક જ પરિવારના સાત લોકોના મૃતદેહ રહસ્યમય રીતે મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ફર્નિચરનો બિઝનેસ કરતા મનીષ સોલંકીએ માતા-પિતા, પત્ની અને ત્રણ સંતાનની હત્યા કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો હતો. મનીષ સોલંકીનો ફર્નિચરનો બિઝનેસ સારો ચાલતો હતો એટલે આર્થિક મુશ્કેલી ન હોવા છતાં તેણે આવું અત્યંત ચોંકાવનારું પગલું શા માટે ભર્યું હતું એ જાણવા માટે સુરતની અડાજણ પોલીસ પંદર દિવસથી પ્રયાસ કરતી હતી.
મનીષ સોલંકીના નજીકના સંબંધીઓ અને સ્ટાફ સહિત ૧૦૦થી વધુ લોકોની પૂછપરછ કર્યા બાદ પણ પોલીસને કોઈ કડી નહોતી મળી રહી એટલે બુધવાર સુધી એક જ પરિવારના સાત લોકોનાં મૃત્યુનું રહસ્ય અકબંધ રહ્યું હતું.
ADVERTISEMENT
ચિઠ્ઠીએ રહસ્ય ખોલ્યું
સુરત પોલીસના ડીસીપી રાકેશ બારોટે માહિતી આપી હતી કે ‘મનીષ સોલંકીના પરિવારના સાત લોકોનાં મૃત્યુની કોઈ કડી નહોતી મળી રહી એટલે અમે તેના ઘરમાં ફરી તપાસ કરી હતી. એમાં એક બુકમાંથી ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં હાર્ડવેરનો બિઝનેસ કરતા કોઈ ઇન્દરપાલ શર્મા સાથે મનીષ સોલંકીએ ફેબ્રુઆરી મહિનામાં પાર્ટનરશિપમાં નિધિ પ્લાયવુડ નામની દુકાન શરૂ કરી હતી. પાર્ટનરશિપ કર્યા બાદ ઇન્દરપાલ મનીષને ૨૦ લાખ રૂપિયા ચૂકવવા માટે દબાણ કરતો હતો. આ રૂપિયા નહીં આપે તો જોવા જેવી થશે એવી ચીમકી પણ તે ઉચ્ચારતો હોવાનો ઉલ્લેખ ચિઠ્ઠીમાં મનીષે કર્યો છે. આથી ઇન્દરપાલ શર્માની ધરપકડ કરવામાં આવી છે.
બૅન્કોએ લોન નકારતાં હતાશા
આ કેસની તપાસ કરી રહેલા અડાજણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રામ ગોજિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી ઇન્દરપાલ શર્મા મનીષ સોલંકીને તાત્કાલિક આ રૂપિયા આપવાનું કહેતો હતો. દિવાળી સુધીમાં આ રૂપિયા નહીં આપે તો પરિણામ સારું નહીં આવે એવી ચીમકી પણ તે ઉચ્ચારતો હતો એટલે મનીષે ૧૧ બૅન્કમાં ૧૦ લાખ રૂપિયાની લોન લેવા માટે અરજી કરી હતી, પરંતુ બધી બૅન્કોએ એ રિજેક્ટ કરી દીધી હતી. આથી મનીષ ભારે હતાશ થઈ ગયો હશે અને તેણે પોતાની સાથે આખા પરિવારને ખતમ કરવાનો નિર્ણય લીધો હોવાની શક્યતા છે. સુસાઇડ નોટમાં મનીષે કોઈનું નામ નહોતું લખ્યું, પણ સંકેત આપ્યો હતો કે તેની કોઈ નજીકની વ્યક્તિને લીધે જ તેણે આ પગલું ભર્યું છે. આથી અમે ૧૦૦થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. જોકે એમાં કંઈ શંકાજનક ન જણાતાં અમે તેના ઘરની તલાશી લીધી હતી. એમાં એક ચિઠ્ઠી મળી હતી જેમાં આરોપી ઇન્દરપાલ શર્મા સાથે મનીષે પાર્ટરનશિપ કરી હતી અને તે ૨૦ લાખ રૂપિયા આપવા માટે સતત દબાણ કરતો હોવાનું જણાયું હતું. આથી અમે તેની ધરપકડ કરીને આગળની પૂછપરછ શરૂ કરી છે.’
100
પોલીસે આટલા લોકોની પૂછપરછ કરી હતી