એસ. જયશંકર,જુગલજી ઠાકોર ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર, આજે ભરશે ફોર્મ
આ છે ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર
ગુજરાતની રાજ્યસભા બેઠક માટે ભાજપના ઉમેદરવાનો જાહેરાત થઈ ગઈ છે. વિદેશમંત્રી એસ જયશંકર અને ઠાકોર સમાજના નેતા જુગલજી ઠાકોરને ભાજપ મેદાનમાં ઉતારી રહી છે. આ પહેલા એસ. જયશંકરની સાથે બળવંત સિંહ રાજપુત મેદાનમાં ઉતરે તેવી શક્યતા હતી. જો કે તેમના સ્થાને જુગલજી ઠાકોર આવી ગયા છે.
કોણ છે જુગલજી ઠાકોર?
જુગલજી ઠાકોર ભાજપના મહેસાણાના ઠાકોર સમાજના નેતા છે. તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ ભાજપના પાયાના કાર્યકર્તાઓમાંથી એક છે. ઠાકોર સમાજના મૂક સેવક અને દાનેશ્વરી તરીકેની છાપ ધરાવે છે. હાલ તેઓ પક્ષમાં ઓબીસી મોરચાના મંત્રી તરીકે કાર્યરત છે. વર્ષોથી તેમણે કોઈ માંગણી નથી કરી, હંમેશા તેઓ પક્ષના આદેશનું પાલન કરે છે. તેનો તેમને બદલો આપવામાં આવ્યો છે.
જાણો એસ. જયશંકરને...
અનુભવી રાજદૂત અને પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રીના રૂપમાં પોતાની સરકારમાં સામેલ કર્યા છે. તેમણે 30 મેના દિવસે મંત્રી પદના શપથ લીધા હતા. નિયમ અનુસાર તેમણે શપથ લીધાના છ મહિનાની અંદર સંસદના કોઈપણ સદનનું સભ્ય બનવું પડે. એસ. જયશંકર અમેરિકા અને ચીનમાં રાજદૂત રહી ચુક્યા છે. તેમણે વડાપ્રધાન મોદીની પહેલી સરકારની વિદેશ નીતિઓને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
કેમ આવી ફરી ચૂંટણી?
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો પર જુલાઈ પાંચના દિવસે ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણી બાદ આ બે બેઠકો ખાલી પડી છે. આ બેઠકો પરથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્યસભાના સભ્યો હતા. જેમણે ગાંધીનગર અને અમેઠીથી લોકસભા ચૂંટણી જીતી છે. લોકસભા ચૂંટણી તેઓ જીતી જતા રાજ્યસભાની બેઠક તેમણે છોડવી પડી છે અને ફરી એક વાર તેના માટે ચૂંટણી થઈ રહી છે.
અમિત શાહ ગાંધીનગરથી જીત્યા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. અહીંથી અત્યાર સુધી એલ. કે. અડવાણી લડતા હતા. અમિત શાહની ગાંધીનગરથી વિક્રમી મતોથી જીત થઈ હતી અને હવે તેઓ દેશના ગૃહ મંત્રી છે. લોકસભા જીત્યા બાદ તેમણે રાજ્યસભાની બેઠક છોડી છે.
સ્મૃતિ ઈરાની અમેઠીથી જીત્યા
લોકસભા ચૂંટણીની જો કોઈ સૌથી મોટી જીત હોય તો તે હતી રાહુલ ગાંધીની સામે અમેઠીથી સ્મૃતિ ઈરાનીની જીત. કોંગ્રેસનો કિલ્લો સ્મૃતિની સામે ધ્વસ્ત થયો અને સ્મૃતિએ જીત મેળવી. હાલ તેઓ મોદી સરાકરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી છે. તેમણે પણ ગુજરાતની રાજ્યસભા બેઠક છોડી છે.

