મિસ યુનિવર્સ ઇન્ડિયાનું ટાઇટલ જીત્યા બાદ માદરે વતન આવેલી રિયા સિંઘાનું ઢોલનગારા સાથે વૉર્મ વેલકમ કરાયું: તેની સાથે સેલ્ફી લેવા અને ફોટો પડાવવા લાઇન લાગી: દાદીએ બ્રેસલેટ ગિફ્ટ કર્યું તો પપ્પાએ આપી ગોલ્ડની વૉચ
રિયા સિંઘાનું ઢોલનગારા સાથે વૉર્મ વેલકમ
મિસ યુનિવર્સ ઇન્ડિયાનું ટાઇટલ જીત્યા બાદ ગઈ કાલે માદરે વતન અમદાવાદ આવેલી રિયા સિંઘાનું ઢોલનગારા સાથે વૉર્મ વેલકમ કરાયું હતું અને તેની સાથે સેલ્ફી લેવા અને ફોટો પડાવવા લાઇન લાગી હતી. હવે તે મિસ યુનિવર્સની તૈયારી કરી રહી છે એટલે અમદાવાદની નવરાત્રિ તે મિસ કરશે અને છૂટથી ગરબે ઘૂમી નહીં શકે.
અમદાવાદ આવેલી રિયા સિંઘાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વર્ષે મારે નવરાત્રિ મિસ કરવી પડશે. નવરાત્રિ માટે કેટલા બધા પાસ મળ્યા હતા પણ આ વખતે મારે મિસ યુનિવર્સની તૈયારીને પ્રાધાન્ય આપવું પડશે એટલે નવરાત્રિ મિસ કરવી પડશે પણ હા, નેક્સ્ટ યર હું નવરાત્રિનો મૂડ બનાવી લઈશ. હવે એક મહિનો છે તો એને કેવી રીતે સૌથી વધુ સારી રીતે યુટીલાઇઝ કરીને આપણે બેસ્ટ કરીએ એના માટે હમણાં ફુલ-ઑન તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીમાં બેઝ છે એટલે ત્યાં જવાની છું. મારા બધાં ફિટિંગ્સ, પ્રૅક્ટિસ-સેશન કરીશ, બહુ બધુ કામ છે.’
ADVERTISEMENT
ડાયટિંગમાં શું ધ્યાન રાખી રહી છે એ વિશે પૂછતા તેણે કહ્યું હતું કે ‘હું માનું છું કે ડાયટ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. આપણે એને નજરઅંદાજ કરતા હોઈએ છીએ. આપણું શરીર આપણું ટેમ્પલ હોય છે એવુ હું માનું છું. હું વિગન ડાયટ ફૉલો કરુ છું. મને એવું લાગે છે કે જ્યારે આપણે શું ખાઈએ છીએ એના પર ફોકસ કરીએ છીએ તો આપણા શરીર પર એના બેનિફિટ દેખાય છે. મારું સ્પેશિફિક ડાયટ નથી અને એનું કોઈ નામ નથી, પણ હું બસ, હેલ્ધી લાઇફ સ્ટાઇલ જીવું છું.’
રિયા સિંઘા જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે તેની સોસાયટીના સભ્યોએ આખી સોસાયટીમાં ફુગ્ગા લગાડીને ડેકોરેશન કરાયું હતું. દરવાજા પર મોટી સ્ટેન્ડી તેમ જ રિયાના ફોટો લગાવ્યા હતા. સોસાયટીના સભ્યોએ કેક-કટિંગ કરીને સેલિબ્રેશન કર્યું હતું. રિયા ઘરે પહોંચી ત્યારે દાદી ભારતીબહેને તેને બ્રેસલેટ ગિફ્ટ કર્યું હતું અને પપ્પા બ્રિજેશભાઈએ ગોલ્ડની વૉચ ગિફટમાં આપી હતી.
રિયાએ ધીરે-ધીરે ચૉકલેટ સહિત ગળપણ છોડ્યું
રિયા સિંઘા ધીરે-ધીરે ચૉકલેટ સહિતનું ગળપણ છોડતી ગઈ હતી એ વિશે વાત કરતાં રિયાનાં મમ્મી રીટા સિંઘાએ કહ્યું હતું કે ‘બધી મમ્મીને એમ થાય કે મારું બાળક જમ્યું કે નહીં, પણ મારી આ દીકરી છેલ્લાં ચાર વર્ષથી જમી નથી એવું કહું તો ચાલે. ધીમે-ધીમે આઇસક્રીમ છોડ્યો, ચૉકલેટ છોડી, એક-એક કરતા બધી ડેરી પ્રોડક્ટ છોડી દીધી. તેને મીઠાઈ બહુ પસંદ હતી એ પણ છોડી દીધી. જમવામાં જ્યાં તેલ, ઘી, બટર આવે એ કશું ખાવાનું જ નહીં.’