હનુમાનદાદાને રાખડીના વાઘા અને સિંહાસનને નારિયેળીનાં પાનનો શણગાર : વહેલી પરોઢથી હનુમાનભક્તોએ દર્શન કરવા કર્યો ધસારો
મંદિરમાં રાખડીઓથી સુશોભન કરાયું હતું
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગઈ કાલે ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં નારિયેળી પૂનમની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનદાદાને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘા અને સિંહાસનને નારિયેળીનાં પાનનો શણગાર કરવામાં આવ્યો હતો અને મંદિરમાં રાખડીઓથી સુશોભન કરાયું હતું.
ગુજરાત સહિત ભારતનાં વિવિધ રાજ્યો ઉપરાંત આફ્રિકા, યુગાન્ડા, અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, દુબઈ સહિત ૩૦થી વધુ દેશોમાંથી હનુમાનદાદાના હજારો ભકતોએ પિસ્તા ડેકોરેશન, ઊન ગૂંથીને બનાવેલી રાખડી, મોરપંખવાળી, બાણ આકારની, ફૂલવાળી, પ્રભુ શ્રીરામના મુખવાળી, દાદાના પેઇન્ટિંગવાળી, ચોખામાંથી બનાવેલી, સુંદરકાંડ લખેલી રાખડીઓ સહિત અંદાજે ત્રીસ હજારથી વધુ અવનવી રાખડીઓ હનુમાનદાદાના મંદિરમાં મોકલી હતી.
ADVERTISEMENT
નારિયેળી પૂનમ અને રક્ષાબંધનનું પર્વ હોવાથી હનુમાનદાદાના સિંહાસનને નારિયેળીનાં પાનમાંથી ડિઝાઇન બનાવીને શણગાર કરવામાં આવ્યો હતો અને ભક્તોએ મોકલેલી રાખડીઓમાંથી હનુમાનદાદાના વાઘા બનાવવામાં આવ્યા હતા. આ વાઘા બનાવતાં ત્રણ દિવસનો સમય લાગ્યો હતો.

