ડૂબી જવાથી એનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સૌરાષ્ટ્રના તળાજામાં આવેલા મીઠી વીરડી ગામ નજીક આવેલા દરિયામાંથી એક સિંહનો મૃતદેહ મળ્યો હતો. એ સિંહનું દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે વધુ તપાસ માટે સૅમ્પલ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી(FSL)માં મોકલવામાં આવ્યાં છે.
તળાજા વન્ય જીવ રેન્જનો સ્ટાફ ૨૪ ડિસેમ્બરે પૅટ્રોલિંગમાં હતો એ દરમ્યાન મીઠી વીરડી ગામના દરિયાકિનારથી ૧૫૦ મીટર દરિયામાં અંદાજે નવથી ૧૨ વર્ષની ઉંમરનો નર સિંહ મૃત્યુ પામેલી હાલતમાં મળ્યો હતો. સ્ટાફે આખા વિસ્તારમાં તપાસ કરી હતી જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ, અવશેષો કે ચિહ્નો નહોતાં મળ્યાં. સિંહના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાયો હતો જ્યાં વેટરિનરી ઑફિસરો દ્વારા પૅનલ પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તારણ મુજબ પાણીમાં ડૂબી જવાથી સિંહનું મૃત્યુ થયું છે.