રાજકોટઃજ્વેલરી ક્ષેત્રે દેશનું ઘરેણું
રાજકોટનું સોની બજાર છે સિતારાઓની પહેલી પસંદ
રાજકોટ.. રંગીલું રાજકોટ. સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ અને દુનિયાના સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાંથી એક રાજકોટ. અને આ જ રાજકોટ હવે બની ચુક્યું છે સોના અને ચાંદીના ઘરેણાંનું પર્યાય. યુનિક ડિઝાઈનના કારણે રાજકોટના ઘરેણાંઓએ લોકોના દિલમાં આગવું સ્થાન બનાવ્યું છે. ભારતમાં બનતા ઘરેણાંની માંગ તો સાત સમુંદર પાર પણ છે.
અને તેમાં સૌથી મોટો હિસ્સો છે રાજકોટનો. જેટલું જાણીતું સુરત હીરા માટે છે એટલું જ જાણીતું રાજકોટ છે ઘરેણાં માટે. રાજકોટની સોની બજાર એશિયાની સૌથી મોટી બજાર છે.
ADVERTISEMENT
શા માટે રાજકોટ છે ખાસ?
મશીનથી બનાવવામાં આવતા ઘરેણાંના આજના સમયમાં રાજકોટમાં આજે પણ પરંપરા જળવાઈ રહી છે. અહીં આજે પણ હાથથી ઘરેણાં બને છે. દાયકાઓથી કારીગરો અહીં હાથથી ઘરેણાંને ડિઝાઈન કરે છે. અને આ ડિઝાઈન એટલી સરસ હોય છે કે તે ટ્રેન્ડ બની જાય છે. આજે પણ અહીં પરંપરાગત સોની વેપારી અને કારીગરો કોઈ જ ડિઝાઈનરની મદદ વગર કોઠાસૂઝથી જે ડિઝાઈન બનાવે છે તે લોકપ્રિય બની જાય છે. અને આ હાથથી બનાવેલી જ્વેલરી સામે મશીનમાં બનાવેલી જ્વેલરી પણ ઝાંખી પડે છે.
રાજકોટમાં બનતી વીંટીની અલગ અલગ ડિઝાઈન(તસવીર સૌજન્યઃ શ્રીજી જ્વેલર્સ રાજકોટ)
નાકની નથ હોય કે કાનની વાળી, વીંટી કે પછી કંદોરો, હાથની શોભા વધારતી બંગડી કે પછી વ્યક્તિત્વને નિખારતો નેકલેસ. તમામ પ્રકારના ઘરેણાં બનાવવામાં રાજકોટના કારીગરો નિપુણ છે. એમાં પણ નથ, બુટ્ટી, કંદોરા તો રાજકોટમાં જ બને છે. અહીં બનતા સોનાના ઘરેણાં સાથે એન્ટીક અને મીનાકારી ઘરેણાં ખૂબ જ પ્રખ્યાત છે. જેની દેશ-વિદેશમાં મોટા પાયે નિકાસ થાય છે. સિંગાપોર, લંડન, ખાડી દેશોમાંથી ખાસ લોકો અહીં ઘરેણાં જોવા અને ઓર્ડર આપવા માટે આવે છે.
રાજકોટે સાચવી છે પરંપરા
આંતરરાષ્ટ્રીય કક્ષાએ હાથથી બનતા ઘરેણાંની ખૂબ જ માંગ છે. આ પ્રકારના ઘરેણાંનો ઈતિહાસ પણ એટલો જ રોચક છે. રાજકોટમાં વસતા સોની જ્ઞાતિના લોકોએ હાથથી ઘરેણાં બનાવવાની શરૂઆત કરી હતી. રાજકોટમાં કામ કરવા માટે આવતા બંગાળી કારીગરોના માધ્યમથી આ કળા બંગાળ અને દેશના જુદા જુદા ભાગોમાં પહોંચી. આજે જ્યારે મોટાભાગે ઘરેણાં મશીનથી બને છે ત્યારે રાજકોટના કારીગરોએ આજે પણ પરંપરા જાળવી રાખી છે.
રાજકોટમાં બનતા નેકલેસની નયનરમ્ય ડિઝાઈન્સ(તસવીર સૌજન્યઃ શ્રીજી જ્વેલર્સ રાજકોટ)
રાજકોટમાં ત્રણ દાયકા કરતા વધુ સમયથી સોનાની દુકાન ધરાવંતા ધોળકિયા પરિવારના વિશાલ ધોળકિયાના કહેવા પ્રમાણે, 'સોનાના ઘરેણાં ત્રણ પ્રકારના હોય છે. યેલો ફિનિશ, એન્ટિક અને કાસ્ટિંગ. કાસ્ટિંગમાં રોઝ ગોલ્ડ, ગ્રીન ગોલ્ડનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકારના ઘરેણાં બનાવવામાં રાજકોટ અગ્રેસર છે. અહીંથી દુબઈ, સિંગાપોર સહિતના દેશોમાં નિકાસ થાય છે. દેશનો ગમે એટલો મોટો ઝવેરી હોય, તેણે એકવાર તો રાજકોટ આવવું જ પડે છે. અને એટલે જ ખરાબ સમયની મૂડી કહેવાતા ઘરેણાંના બજારમાં રાજકોટના સિક્કા પડે છે'.
ચાંદી એટલે રાજકોટ
ન માત્ર સોનાના ઘરેણાં પરંતુ ચાંદીમાંથી બનતા ઘરેણાંમાં પણ રાજકોટની મોનોપોલી છે. રાજકોટ જેવી સારી ડિઝાઈન અને ગુણવત્તાના ઘરેણાં બીજે ક્યાંય નથી મળતા. સોય દોરા બુટ્ટી, અલગ અલગ પ્રકારની બાલી, નાકની નથ, પારાની માળા, પાયલ, વીંછિયા રાજકોટની ખાસિયત છે. સાથે ચાંદીના વાસણો પણ બનાવવામાં આવે છે. ચાંદીની ભગવાનની મૂર્તિ, ત્રિશુલ, ડમરુ પણ બનાવવામાં આવે છે. રાજકોટમાં રોજના 5 થી 10 હજાર કિલો ચાંદીમાંથી ઘરેણાં બને છે. અને સૌથી વધુ નિકાસ અહીંથી જ થાય છે.
રાજકોટમાં બનતી ચાંદીની વસ્તુઓની વાત જ અલગ છે.(તસવીર સૌજન્યઃ નીલકંઠ જ્વેલર્સ, રાજકોટ)
સિતારાઓની પહેલી પસંદ છે રાજકોટ
બોલીવુડના સિતારાઓનું પણ રાજકોટ માનીતું છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી હોય કે બચ્ચન પરિવાર, તમામ રાજકોટના સોનીઓએ બનાવેલા ઘરેણાંને ખાસ પસંદ કરે છે. રાજકોટના સોની હિતેશભાઈ વોરા કહે છે કે, 'બૉલીવુડના અનેક સિતારાઓ એવા છે કે જે ખાસ રાજકોટમાં ઘરેણાં બનાવડાવવાનું પસંદ કરે છે. મે વર્ષો પહેલા એક કંદોરો બનાવ્યો હતો, જે મનીષા કોઈરાલાએ તેની ફિલ્મ બોમ્બેમાં પહેર્યો હતો. જે પછી એ કંદોરાનું નામ જ બોમ્બે કંદોરો પડી ગયું. આજે પણ એ ડિઝાઈનને એટલી જ પસંદ કરવામાં આવે છે. રવિના ટંડનને પણ રાજકોટમાં બનેલા ઘરેણાં ખુબ જ પસંદ છે. તે ખાસ અહીં જ ઓર્ડર આપે છે'.
સિગ્નેચર જ્વેલરી છે નવો ટ્રેન્ડ
રાજકોટમાં આજકાલ સિગ્નેચર જ્વેલરીની બોલબાલા છે. આ જ્વેલરીનો કન્સેપ્ટ રાજકોટમાં જ ચાર પેઢીથી સોનાની દુકાન ધરાવતા પ્રદીપભાઈએ આપ્યો છે. તેમણે જ બચ્ચન પરિવારની પૌત્રી આરાધ્યા માટે ખાસ રિંગ ડિઝાઈન કરી છે. જેમાં આરાધ્યા બચ્ચનના પહેલા અક્ષર A, B અને ઓમ લખેલું છે. તેમણે બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન, રેખા માટે પણ ઘરેણાં બનાવ્યા છે. સાથે જ કેટલીક ફિલ્મો માટે પણ ઘરેણાં બનાવ્યા છે. પ્રદીપભાઈના અનુસાર, 'હાથથી બનતા ઘરેણાંની વાત જ કાંઈક અલગ છે. તેની ડિઝાઈન એટલી નયનરમ્ય હોય છે કે જોનારને તરત જ પસંદ આવે છે. આ જ્વેલરીની ડિઝાઈનથી લઈને તમામ પ્રોસેસ જાતે જ કરવામાં આવે છે જેથી આ ઘરેણાં ટકાઉ પણ વધારે હોય છે. '
રાજકોટના સોનીએ આરાધ્યા બચ્ચન માટે બનાવેલી વીંટી(તસવીર સૌજન્યઃ કૃતિ ધ જ્વેલ્સ રાજકોટ)
આ પણ વાંચોઃ ઉત્તરાયણઃકેમ કલાકો સુધી ઘરેથી ગુમ થયા હતા અરવિંદ વેગડા ! વાંચો કલાકારોની ઉત્તરાયણની યાદો
ખાવું, પીવું અને મોજમાં રહેવું, આ મંત્રને જીવનમાં ઉતારનાર રાજકોટના લોકો બિઝનેસમાં પણ એટલા જ માહેર છે. રાજકોટની બજારમાં નાનકડી દુકાન ધરાવતા સોની વેપારીઓનો માલ પણ દુનિયાના દરેક ખુણે પહોંચે છે અને પસંદ પણ કરવામાં આવે છે. અને એટલે જ રાજકોટ છે જ્વેલરી ક્ષેત્રે દેશનું ઘરેણું.