Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટના ગેમ-ઝોનમાં ૯૯ રૂપિયાની સ્કીમને લીધે લોકો ડેથ-ટ્રૅપમાં ફસાયા

રાજકોટના ગેમ-ઝોનમાં ૯૯ રૂપિયાની સ્કીમને લીધે લોકો ડેથ-ટ્રૅપમાં ફસાયા

27 May, 2024 06:59 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગેમ-ઝોનમાં રબર અને રેઝિનનું ફ્લોરિંગ : પાર્ટિશન માટે થર્મોકોલ શીટનો ઉપયોગ : કાર-ઝોનમાં ૧૦૦૦થી વધારે ટાયરો અને ૧૫૦૦ લીટર ડીઝલનો સ્ટૉક આગને વિકરાળ બનાવવા માટે પર્યાપ્ત હતો

રાજકોટનો ટી.આર.પી. ગેમ-ઝોન હવે કાટમાળમાં ફેરવાઈ ગયો છે.

રાજકોટનો ટી.આર.પી. ગેમ-ઝોન હવે કાટમાળમાં ફેરવાઈ ગયો છે.


રાજકોટમાં ગેમ-ઝોનમાં સામાન્ય રીતે એન્ટ્રી-ફી ૫૦૦ રૂપિયા હોય છે, પણ વધુ ને વધુ લોકો આ ગેમ-ઝોનમાં રમવા આવે એ માટે સંચાલકોએ વીક-એન્ડનો લાભ મેળવવા માટે માત્ર ૯૯ રૂપિયામાં એન્ટ્રીની સ્કીમ લૉન્ચ કરી હતી એટલે ૩૦૦ જેટલા લોકો આ ગેમ-ઝોનમાં આગ લાગી ત્યારે ઉપસ્થિત હતા. જાહેર રજાઓ અને વીક-એન્ડમાં આવી સ્કીમ લાવવામાં આવતી હતી જેથી વધારે લોકો એમાં આવતા હતા.


વળી સંચાલકોએ ગેમ-ઝોન માટે ફાયર-બ્રિગેડ વિભાગ પાસેથી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) પણ લીધું નહોતું. આ સિવાય રાજકોટ સુધરાઈની અપ્રૂવલ મેળવવાની ઝંઝટ ન રાખવી પડે એટલે ગેમ-ઝોનને એક શેડમાં બનાવવામાં આવ્યો હતો અને માત્ર એક રાઇડ-સર્ટિફિકેટ મેળવીને આ ત્રણ માળનું સ્ટ્રક્ચર શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે અધિકારીઓએ આ રાઇડ-સર્ટિફિકેટ આપ્યું હતું તે હાલમાં ફરાર છે.



એક સીડી પર વેલ્ડિંગમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી, પણ એક જ દાદર હોવાથી બીજા અને ત્રીજા માળે રહેલા લોકો એમાં ફસાઈ ગયા હોવાથી આગમાં મરણાંક વધારે થયો છે. 
ગેમ-ઝોન બનાવવા માટે જે ચીજવસ્તુઓનો ઉપયોગ કરાયો છે એ મટીરિયલમાં આગ ઝડપથી ફેલાઈ હતી. એમાં રબર અને રેઝિનનું ફ્લોરિંગ હતું, પાર્ટિશન માટે થર્મોકોલ શીટનો ઉપયોગ થયો હતો. વળી કાર-ઝોનમાં ૧૦૦૦થી વધારે ટાયરો હતાં એટલે આગે ટૂંક સમયમાં વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. ગેમ-ઝોનમાં ૧૫૦૦ લીટર ડીઝલનો સ્ટૉક કરેલો હતો જેને લીધે આગ અંકુશની બહાર ફેલાઈ હતી.


રાજકોટના ગેમ-ઝોનમાં શનિવારે બનેલી આગની દુર્ઘટનામાં ૨૮ નિર્દોષનાં મૃત્યુ થયા બાદ સમગ્ર ગુજરાતમાં ચાલતા ગેમ-ઝોન સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. અમદાવાદ, ભાવનગર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, બારડોલી સહિતનાં સ્થળોએ ફાયર અને પોલીસ વિભાગે તપાસ હાથ ધરી હતી. અમદાવાદમાં ગેમ-ઝોન બંધ કરવામાં આવ્યા હતા.


રાજકોટના ગેમ-ઝોનની ૨૦૨૨ની આ તસવીર ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ હતી જેમાં રાજકોટ જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર અને એ સમયના પોલીસ અધિકારીઓ દેખાય છે. આ તસવીર જોઈને લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા છે કે આ કેસમાં સાચી તપાસ થશે કે કેમ? ગેમ-ઝોનમાં અધિકારીઓનો આ ફોટો વાઇરલ થતાં સંચાલકોનો અધિકારીઓ સાથે ઘરોબો હોવાની અટકળો તેજ બની હતી. 

રેસિડે​ન્શ્યલ એરિયામાં ૪ વર્ષથી ચાલી રહ્યો હતો ત્રણ માળનો ગેરકાયદે ટી.આર.પી. ગેમ-ઝોન

રાજકોટમાં ટી.આર.પી. ગેમ-ઝોનમાં લાગેલી આગની ઘટનામાં જાણવા મળ્યું છે કે ગેમ-ઝોનના સંચાલકોની બેદરકારીને કારણે આગ લાગી હતી. કોઈ પણ જાતના નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) વિના રહેવાસી વિસ્તારમાં આ ટી.આર.પી. ગેમ-ઝોન ચાર વર્ષથી કાર્યરત હતો. આગ લાગે ત્યારે બહાર નીકળવાની કોઈ વ્યવસ્થા નહીં હોવા છતાં રોજ સેંકડો લોકો આ ગેમ-ઝોનમાં આવતા હતા.

રાજકોટના ઍડિશનલ કલેક્ટર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે મેકૅનિકલ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સી. સી. પટેલ લાપતા છે અને ફોનનો જવાબ આપી રહ્યા નથી. રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારીઓની પણ ભાળ મળી રહી નથી. જે અધિકારીઓએ સ્ટેબિલિટી-સર્ટિફિકેટ આપ્યું છે તેઓ પણ ગુમ છે. એકમાત્ર રાઇડ-સર્ટિફિકેટ મેળવીને ગેમ-ઝોનના મૅનેજરોએ ત્રણ માળનું સ્ટ્રક્ચર બનાવી દીધું હતું.

ગેમ-ઝોનના સંચાલકોએ પોલીસ પાસેથી અમ્યુઝમેન્ટ પાર્કની પરમિશન મેળવી હતી અને મેકૅનિકલ બ્રાન્ચ પાસેથી રાઇડ્સ માટેની અપ્રૂવલ માગી હતી. આમ તેમણે સેફ્ટીના નિયમોની ઘોર અવગણના કરી હતી. હવે ગેમ-ઝોનમાં સલામતીનાં ધોરણો અને મૅનેજમેન્ટની બેદરકારી વિશે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

મોરારીબાપુએ કથામાં શ્રદ્ધાંજલિ પાઠવી 
ગુજરાતના ગોંડલમાં ચાલતી કથા દરમ્યાન રાજકોટમાં બનેલી ગોઝારી ઘટનાના સમાચાર મળતાં કથાકાર મોરારીબાપુએ ચાલુ કથામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આગની ઘટનામાં મૃત્યુ પામેલા નાગરિકોને મોરારીબાપુ સહિત કથામંડપમાં ઉપસ્થિત સૌકોઈએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મોરારીબાપુએ રામધૂન બોલાવી હતી તેમ જ રામરક્ષા સ્તોત્રના મંત્રોચ્ચાર કર્યા હતા અને દિવંગત થયેલા લોકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી હતી. કથાના મનોરથી પરિવાર તથા સૌ શ્રોતાઓને સાંકળીને જીવ ગુમાવનારી તમામ વ્યક્તિઓના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા તુલસીદલ સમર્પિત કરશે. 

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2024 06:59 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK