ગેમ-ઝોનના માલિક અને બે મૅનેજર સહિત ૧૦ જણની ધરપકડ
ગેમ-ઝોનમાંથી પોટલું વાળીને મૃતદેહને બહાર કાઢવા પડ્યા હતા.
ગુજરાતમાં સૌરાષ્ટ્રના વડા મથક રાજકોટમાં ગઈ કાલે કાળજું કંપાવતી કરુણાંતિકા બની હતી જેમાં ફાયર-બ્રિગેડના નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) વગર ચાલતા ગેમ-ઝોનમાં અચાનક બનેલી આગની ગોઝારી ઘટનામાં ઓછામાં ઓછા ૨૫ નિર્દોષની જિંદગી હોમાઈ ગઈ હતી.
ગેમ-ઝોનમાં રમતાં બાળકો તેમ જ ગેમ-ઝોનના સ્ટાફ સહિતના નાગરિકો બેજવાબદારીના કારણે ભડભડ સળગી મર્યાં હતાં અને બચવાનો કોઈ આરો રહ્યો નહોતો. જીવ ગુમાવનારા લોકોમાં કમસે કમ ૧૨ જણ ૧૮ વર્ષથી નીચેના છે.
ADVERTISEMENT
હાલમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ગઈ કાલે રાજકોટમાં નાના મવા રોડ પર સયાજી હોટેલની પાછળ આવેલા ટી.આર.પી. ગેમ-ઝોનમાં કોઈક બાળક માતા-પિતા સાથે તો કોઈક મિત્રો સાથે ગેમ રમવા ગયાં હતાં. આ દરમ્યાન ઢળતી સાંજે અચાનક ગેમ-ઝોનમાં આગ લાગી હતી. આગ લાગતાં જ ગેમ-ઝોનની અંદર ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને આગથી બચવા માટે લોકો બહાર નીકળવા મથતા હતા, પરંતુ જોતજોતાંમાં આગ એટલી વિકરાળ બની ગઈ કે બચવાનો કોઈ રસ્તો ન રહ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી અને એક પછી એક નિર્દોષ જીવો આગમાં હોમાતા ગયા હતા. આગ એવી લાગી હતી કે ત્રણ કિલોમીટર દૂરથી પણ આગના ગોટેગોટા દેખાતા હતા. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને ઓલવવા માટે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. આગે ગંભીર સ્વરૂપ લેતાં ઘટનાસ્થળે કલેક્ટર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વિધાનસભ્યો, રાજકોટ કૉર્પોરેશનના હોદ્દેદારો દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ગેમ-ઝોનની અંદર જઈને બચાવ-કામગીરી હાથ ધરી હતી. જોકે એક પછી એક મૃતદેહ બહાર લવાતાં ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી. ૧૦૮ ઍમ્બ્યુલન્સની મદદથી મૃતદેહોને રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.
સ્ટ્રૅચર પર અને પોટલાં બાંધીને એક પછી એક મૃતદેહ રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં આવતાં પરિવારજનોના આક્રંદથી ગમગીની સાથે શોકની કાલિમા છવાઈ ગઈ હતી. મૃતદેહ એ હદે બળી ગયા હતા કે ફૅમિલીના સભ્યો તેમના સ્વજનોના મૃતદેહ શોધવા મથતા રહ્યા હતા.
અમારી આશા એવી ને એવી જોઈએ, બીજું કશું નથી જોઈતું, લાશ નથી જોઈતી
ગેમ-ઝોનમાં કામ કરતી ૨૦ વર્ષની આશાના પરિવારજનોનું આક્રંદ
ગુજરાતમાં રાજકોટના ગેમ-ઝોનમાં લાગેલી આગમાં પોતાની વ્હાલસોઈ ૨૦ વર્ષની બહેન આશાને ગુમાવનાર તેની નાની બહેન અને પરિવારજનોએ રડતાં-રડતાં કહ્યું હતું કે ‘અમને અમારી આશા એવી ને એવી જોઈએ છે, બીજું કશું નથી જોઈતું, લાશ પણ નથી જોઈતી.’
રાજકોટમાં હૈયું હચમચાવતી ઘટનામાં ગેમ-ઝોનમાં કામ કરતી ૨૦ વર્ષની આશા આગમાં મૃત્યુ પામી હતી. રાજકોટ સિવિલ હૉસ્પિટલના પોસ્ટમૉટર્મ રૂમ પાસે આશાની માતા અને બે બહેનો સહિત પરિવારજનો તેને શોધતા આવી પહોંચ્યા હતા. આશાની બહેનોએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મારી બહેન ગેમ-ઝોનમાં કામ કરતી હતી. અમને ખબર પડી કે આગ લાગી છે એટલે અમે ગેમ-ઝોનમાં ગયાં હતાં. ત્યાં અમને મૅનેજર બહાર મળ્યા હતા. તેમને મારી બહેન વિશે પૂછતાં તેઓ કંઈ બોલ્યા નહોતા. મૅનેજર બહાર આવ્યા હતા, પણ સ્ટાફ બહાર નહોતો દેખાતો. અમે ત્યાંથી સિવિલ હૉસ્પિટલ આવ્યાં તો બહેન અમને ઓળખાતી જ નહોતી. આટલો મોટો ગેમ-ઝોન બાંધ્યો છે તો ફાયર-સેફટીની સગવડ તો કરવી જોઈએને?’
રાજકોટની ઘટનાની તપાસ માટે ગુજરાત સરકારે SITની રચના કરી
રાજકોટમાં બનેલા અગ્નિકાંડની ગોઝારી ઘટનાની તપાસ માટે ગુજરાત સરકારે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ટ્વીટ કર્યું હતું કે ‘રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃત્યુ પામેલી વ્યક્તિઓના પરિવારજનોને ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય એ સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ વિશે SITની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.’