માસૂમ બાળકીઓનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર સાઇકો ગાંધીનગર પોલીસના હાથે ઝડપાયો: દિવસે પાંડેસરાની ફૅક્ટરીમાં કામ કરતો અને રાતે બાળકીઓનું અપહરણ કરતો આરોપી
ગાંધીનગર પોલીસે ત્રણ બાળકીઓ પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ઝડપી લીધો હતો
દિવાળીના દિવસોમાં ગુજરાતમાં ચાર માસૂમ બાળકીઓનાં અપહરણ અને તેમના પર દુષ્કર્મ કરવાની અત્યંત જઘન્ય ઘટના બની હતી. ગાંધીનગર પાસેના કલોલ તાલુકામાં અને સુરતમાં બનેલી આ ઘૃણાસ્પદ ઘટનામાં બે બાળકીઓના હત્યા કરાયેલા મૃતદેહ મળી આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી. પોલીસે આ અલગ-અલગ ઘટનાઓમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.
ગાંધીનગર પાસેના કલોલ તાલુકાના સાંતેજમાં મજૂરી અર્થે આવેલા મજૂર વર્ગના લોકો છાપરાં બાંધીને રહેતા હતા એ જગ્યાએ દિવસ દરમ્યાન તથા રાતના સમયે નાની ઉંમરની બાળકીઓનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના બે બનાવ દિવાળી તથા નવા વર્ષના દિવસે બન્યા હતા. રાંચરડા ગામની સીમમાંથી પાંચ વર્ષની બાળકીને તેની ઓરડી પાસેથી ઉપાડીને મોટરસાઇકલ પર બેસાડી અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કરી બાળકીને છોડી દીધી હતી. પોલીસે આ કેસમાં વાંસજડામાં રહેતા વિજય પોપટજી ઠાકોરની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરતાં તેણે આ ગુનાની કબૂલાત કરી હતી એટલું જ નહીં, પરંતુ આ ગુના સાથે તેણે નવા વર્ષના દિવસે ખાત્રજ ચોકડી પાસે છાપરામાંથી ૩ વર્ષની એક બાળકીનું અપહરણ કર્યું હતું. આ બાળકીની હત્યા કરી આરોપીએ તેના પર દુષ્કર્મ કર્યું હતું અને મૃતદેહ ગરનાળામાં ફેંકી દીધો હતો. આ બાળકીનો મૃતદેહ પોલીસને અવાવરું જગ્યાએથી મળી આવ્યો હતો. પોલીસની પૂછપરછ દરમ્યાન આ આરોપીએ આઠ-દસ દિવસ પહેલાં એક બાળકી પર દુષ્કર્મ કર્યાની કબૂલાત કરી હતી.
બીજી તરફ સુરતના પાંડેસરાના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે અઢી વર્ષની બાળકીનું ગુડ્ડુ નામના આરોપીએ અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરીને બાળકીને ગળું દબાવી મારી નાખી હતી.
સુરતના પોલીસ કમિશનર અજય તોમરે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘૪ નવેમ્બરે રાત્રે અઢી વર્ષની બાળકી ગુમ થવાની ફરિયાદ થઈ હતી, જેથી પોલીસ તેની તપાસમાં લાગી હતી. આરોપી પાંડેસરાની ફૅક્ટરીમાં કામ કરે છે. ’