કરમસદમાં બૅન્ડવાજાં સાથે રૅલી કાઢીને આણંદ જઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું : સાધુસંતો રૅલીમાં જોડાયા
આણંદમાં કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મધ્ય ગુજરાતમાં આવેલા આણંદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કરમસદને ભેળવી દેવાના મુદ્દે વિરોધ ઊઠ્યો છે અને ગઈ કાલે કરમસદની સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ સાથે સ્થાનિક લોકોએ બૅન્ડવાજા સાથે રૅલી યોજીને આણંદ જઈને કલેક્ટરને આવેદનપત્ર આપીને માગણી કરી હતી કે આણંદ મ્યુનિસિપલ કૉર્પોરેશન બને અને વિકાસ થાય એ સરાહનીય છે. વિકાસનો વિરોધ નથી પણ સરદાર વલ્લભભાઈ પટેલના કરમસદની ઓખળ જાળવી રાખો અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિને વિશેષ દરજ્જો આપો.
ADVERTISEMENT
કરમસદમાં સાધુસંતો સાથે રૅલી યોજાઈ હતી.
સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના મિથિલેશ અમીને ‘મિડ-ડે’ સમક્ષ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘કરમસદને આણંદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભેળવી દેવામાં આવી છે, જેની સામે અમે એટલા માટે વિરોધ કર્યો છે કે આ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ છે અને એની આગવી ઓળખ છે. કરમસદ સરદાર પટેલ, વિઠ્ઠલભાઈ, મણિબહેન, ભીખાકાકા તેમ જ અનેક સ્વાતંત્ર્યસેનાનીઓની ભૂમિ છે. નવા બનેલા આણંદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કરમસદને ભેળવી દઈને કરમસદનું નામ નકશામાંથી ભૂંસવાનો પ્રયાસ થયો છે. હવે કરમસદ આણંદનો એક વિસ્તાર બની જશે જેથી કરમસદની આગવી ઓળખ જળવાઈ રહે, કરમસદ સ્વતંત્ર રહે એ માટે અમે રૅલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘ગઈ કાલે કરમસદમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટૅચ્યુએથી વિઠ્ઠલભાઈના સ્ટૅચ્યુ સુધી રૅલી યોજી હતી જેમાં બાપેશ્વર મહાદેવના મહંત પહેલવાનગિરિ મહારાજ, સંતરામ મંદિરના મહારાજ મોરારીદાસ તેમ જ અન્ય સાધુસંતો તેમ જ કરમસદના નાગરિકો રૅલીમાં જોડાયા હતા. કરમસદથી આણંદ જઈને કલેક્ટર કચેરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને કરમસદને અલગ રાખવા માટે રજૂઆત કરી હતી.’