પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફીટ ઊંચી મૂર્તિ જોઈને અભિભૂત થયા ભાવિકો : સાફસૂથરું નગર જોઈને લોકો અચરજ પામ્યા, દિલ્હીના અક્ષરધામની પ્રતિકૃતિ, બાળનગરી, ગ્લો ગાર્ડન, સાત પ્રવેશદ્વાર, લાઇટ ઍન્ડ સાઉન્ડ શો, પાંચ પ્રદર્શન ખંડો સહિતનાં આકર્ષણોએ આશ્ચર્યચકિત કર્યા
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફીટ ઊંચી સ્વર્ણિમ મૂર્તિ હરિભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના પ્રારંભ બાદ ગઈ કાલથી પ્રમુખસ્વામી મહારાજનગર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવતાં હરિભક્તોનો ધસારો થયો હતો. પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફીટ ઊંચી મૂર્તિ જોઈને ભાવિકો અભિભૂત થયા હતા અને પ્રમુખસ્વામીની સ્વર્ણિમ પ્રતિમાએ હરિભક્તોનાં મન મોહ્યાં છે.
એક મહિનો ચાલનારા આ મહોત્સવમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ૬૦૦ એકર વિશાળ ભૂમિ પર પ્રમુખસ્વામી મહારાજનગર વિકસાવ્યું છે. મહોત્સવ સ્થળના કેન્દ્રમાં ૪૦ ફીટ પહોળી અને ૧૫ ફીટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલી ૩૦ ફીટ ઊંચી પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ હરિભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ભાવિકો પ્રમુખસ્વામીની મૂર્તિ પાસે આવીને જોતા જ રહી જાય છે. આ મૂર્તિસ્થળે ચારે બાજુ પ્રમુખસ્વામી મહારાજના પ્રેરક પ્રસંગો મુકાયા છે, જે ભાવિકોના જીવનને સાર્થક બનાવશે. આ મૂર્તિની બહારના ભાગે ફૂલછોડથી કરાયેલું સુશોભન નયનરમ્ય દૃશ્ય સરજી રહ્યું છે.
ADVERTISEMENT
પ્રમુખસ્વામીની મૂર્તિ ઉપરાંત અહીં બનાવેલી દિલ્હીના અક્ષરધામની પ્રતિકૃતિ પણ હરિભક્તોને આકર્ષી રહી છે. તમે દિલ્હીના અક્ષરધામમાં ઊભા હો એવી અનુભૂતિ કરાવતું ૬૭ ફીટ ઊંચું અક્ષરધામ મંદિર દેવદર્શન માટેનું આગવું સ્થાનક બની રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણ, શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, ભગવાન કૃષ્ણ અને રાધાજી, ભગવાન રામચંદ્ર અને સીતામાતાજી, ભગવાન મહાદેવજી અને ઉમાજીની મૂર્તિઓનાં દર્શન કરી ભાવિકો આશીર્વાદ મેળવી રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ગઈ કાલથી દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકાતાં હરિભક્તોનો ધસારો થયો હતો
આ ઉપરાંત નગરમાં બાળનગરી, ગ્લો ગાર્ડન, સાત પ્રવેશદ્વાર, લાઇટ ઍન્ડ સાઉન્ડ શો, પાંચ પ્રદર્શન ખંડો સહિતનાં આકર્ષણોએ હરિભક્તોને આશ્ચર્યચકિત કર્યા છે એટલું જ નહીં; સાફસૂથરું નગર જોઈને લોકો આનંદ પામ્યા હતા. ૬૦૦ એકરની વિશાળ જગ્યામાં ઊભા કરાયેલા નગરમાં પેવર બ્લૉક્સ નાખીને સ્વયંસેવકોએ સફાઈ એવી રાખી છે કે નગરની સફાઈ ઊડીને આંખે વળગી રહી છે.
અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર ઊભા કરાવેલા આ નગરની મુલાકાતે દેશ અને વિદેશમાંથી લાખો ભાવિકો આવી રહ્યા છે ત્યારે હાઇવે પર ટ્રાફિકમાં કોઈ અડચણ ઊભી ન થાય એ માટે પોલીસની સાથે હાઇવે પર ઠેર-ઠેર બી.એ.પી.એસ.ના સ્વયંસેવકો ટ્રાફિક-નિયમન માટે ખડે પગે ઊભા રહ્યા છે.