ગુજરાતની ૧૫ બ્લડ-બૅન્કમાં મોકલ્યું બ્લડ, અમદાવાદમાં બી.એ.પી.એસ. મહોત્સવ રવિવારે સંપન્ન થયો અને જૈન સમાજનો સ્પર્શ-મહોત્સવ શરૂ થયો
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં બ્લડ-ડોનેટ કરતાં પહેલાં ભાવિકોનું ચેક-અપ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદમાં યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ૫૬,૨૮,૪૫૫ બૉટલ બ્લડ એકઠું થયું હતું જે અનેક લોકોના જીવન માટે આશીર્વાદરૂપ બની રહેશે. એક તરફ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સંપન્ન થયો છે ત્યારે બીજી તરફ જૈન સમાજનો સ્પર્શ-મહોત્સવ શરૂ થયો છે.
મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો રવિવારે સમાપન-સમારોહ યોજાયો હતો, જેમાં પ્રમુખસ્વામી મહારાજને ભક્તિપૂર્ણ ભાવાંજલિ આપવામાં આવી હતી. ૩૦ દિવસ ચાલેલા આ મહોત્સવની ૧ કરોડ ૨૧ લાખ ભાવિકોએ મુલાકાત લીધી હતી. સંધ્યાસભાઓ દ્વારા પ્રત્યક્ષ અને જીવંત પ્રસારણ દ્વારા કરોડો લોકોએ જીવન-ઉત્કર્ષની પ્રેરણા મેળવી હતી. મહોત્સવ દરમ્યાન ૧ લાખ ૨૩ હજાર લોકો વ્યસનમુક્તિ અને ઘરસભા માટે નિયમબદ્ધ થયા હતા, જ્યારે ૨ લાખ ૫૦ હજારથી વધુ બાળકોએ નિયમકુટીરમાં વિવિધ નિયમોનો સંકલ્પ કર્યો હતો. આ મહોત્સવના ૩૦ દિવસમાં ૫૬,૨૮,૯૫૫ સીસી રક્ત એકઠું થયું એ માનવજાત માટે સૌથી આવકારદાયક બાબત બની હતી. ભાવિકોએ સ્વૈચ્છિક રીતે બ્લડ-ડોનેટ કરીને સામાજિક ઉત્તરદાયીત્વ નિભાવ્યું હતું. એકત્ર થયેલું બ્લડ ગુજરાતની ૧૫ બ્લડ-બૅન્કમાં મોકલવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : મુંબઈના ૭, અમેરિકાના પાંચ સહિત ૫૮ યુવાનોએ મહંતસ્વામીના હાથે ગ્રહણ કરી સંતદીક્ષા
એક તરફ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સંપન્ન થયો ત્યાં બીજી તરફ અમદાવાદમાં બીજો ધાર્મિકોત્સવ શરૂ થયો હતો. અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાનમાં પદ્મભૂષણ આચાર્ય રત્નસુંદરસૂરી મહારાજસાહેબલિખિત ૪૦૦મા પુસ્તકના વિમોચન નિમિત્તે સ્પર્શ-મહોત્સવ શરૂ થયો છે. સ્પર્શ-મહોત્સવમાં ગિરનાર તીર્થની પ્રતિકૃતિ ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ભાવિકો જાણે ગિરનાર પર્વત પર ગયા હોય એવી અનુભૂતિ કરી રહ્યા છે.