પોલીસે ગઈ કાલે તપાસ હાથ ધરીને ૪૮ બંગલાદેશી ઘૂસણખોરોને ડીટેન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
અમદાવાદમાં ગેરકાયદે રહેતાં બંગલાદેશી પુરુષો અને સ્ત્રીઓને ડીટેન કરીને ક્રાઇમ બ્રાન્ચની ઑફિસમાં લાવવામાં આવ્યાં હતાં. (તસવીર: જનક પટેલ.)
ગુજરાતમાં બનાવટી દસ્તાવેજ સાથે કે પછી ઘૂસણખોરી કરીને આવતા બંગલાદેશીઓના આશ્રયસ્થાન સમાન અમદાવાદના ચંડોળા તળાવ ઉપરાંત શાહઆલમ, કુબેરનગર સહિતનાં સ્થળોએથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગઈ કાલે તપાસ હાથ ધરીને ૪૮ બંગલાદેશી ઘૂસણખોરોને ડીટેન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એક તરફ તાજેતરમાં બંગલાદેશમાં સત્તાપરિવર્તન થયા બાદ સ્થાનિક હિન્દુઓ પર હુમલા થયા હતા. બીજી તરફ એ જ બંગલાદેશના નાગરિકો ગેરકાયદે ભારતમાં ઘૂસણખોરી કરીને ધંધા-રોજગાર માટે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચંડોળા તળાવ સહિતનાં સ્થળોએ તપાસ હાથ ધરીને ગેરકાયદે રહેતા ૪૮ બંગલાદેશના નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. આ બંગલાદેશીઓ પાસેથી તેમની ઓળખના દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. તેમની પાસેથી મળી આવેલા મોબાઇલ ફોન અને બીજી વસ્તુઓમાંથી તેઓ બંગલાદેશી નાગરિક હોવાનું જાણવા મળ્યું હતું. ગેરકાયદે ભારતમાં ઘૂસી આવેલા આ બંગલાદેશીઓ કેવી રીતે ભારતની સરહદમાં ઘૂસીને ગુજરાત સુધી પહોંચ્યા? આ બધા ક્યારે ગુજરાત આવ્યા? તેમની પાસેના બનાવટી દસ્તાવેજો ક્યાંથી બનાવ્યા? કોણે બનાવ્યા? એ સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.